બ્લેક આઉટ માટે સુરત પાલિકાની તમામ સ્ટ્રીટ લાઈટો બંધ કરાશે, લોકોના ઘર-ઓફિસની લાઈટ બંધ રાખવા અપીલ
Surat Black Out : કાશ્મીરના પહેલગામમાં ટુરિસ્ટ પર થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ વણસ્યા છે આવી તણાવભરી સ્થિતિમાં યુધ્ધની શક્યતાને પગલે આજે બુધવાર ના રોજ સુરત સહિત દેશમાં અનેક જગ્યાએ મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે. મોક ડ્રીલ માટે જે સમય નક્કી કરવામા આવ્યો છે તે સમયે બ્લેક આઉટ કરવામાં આવશે. જેમાં સુરત પાલિકાની તમામ સ્ટ્રીટ લાઈટ પણ એક સાથે બંધ કરી દેવામા આવશે. આ ઉપરાંત પાલિકાની મિલકતમાં પણ લાઈટ બંધ થઈ જશે. જોકે, આનાથી લોકોને ગભરાવવા કે અફવા ન ફેલાવવાની અપીલ પાલિકાએ કરી છે તેની સાથે સાથે આ બ્લેક આઉટ સમય દરમિયાન લોકોને પણ પોતાના ઘરની લાઈટ બંધ રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.
કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનના સંબંધ તંગ થયાં છે અને યુદ્ધની શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે સંવેદનશીલતાને આધારે ત્રણ કેટેગરી નક્કી કરવામા આવી છે તેમાં સૌથી સંવેદનશીલ કેટેગરી 1 જાહેર કરવામાં આવી છે. અને સુરત શહેર તથા જિલ્લો, વડોદરા અને કાંકરાપારને પણ કેટેગરી વન જાહેર કરવામા આવી છે. આ કવાયત સાથે મ્યુનિ. કમિશ્નરે પાલિકાના તમામ વિભાગીય વડા અને અન્ય અધિકારીઓ સાથે તાકીદની બેઠક કરી હતી અને મોક ડ્રીલ માટે આયોજન કર્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, પાલિકા- પોલીસ અને કલેક્ટર કચેરી સાથે મળીને મોકડ્રીલ કરવામાં આવશે. સુરત શહેરમાં મોક ડ્રીલ સાથે બ્લેક આઉટ પણ કરવામા આવશે. આ બ્લેક આઉટ સમય જાહેર કરવામા આવ્યો છે તેમાં સુરત પાલિકા વિસ્તારની તમામ સ્ટ્રીટ લાઈટ એક સાથે બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત પાલિકાના અનેક પ્રકલ્પો ની લાઈટ પણ બંધ થઈ જશે. આ ઉપરાંત આ બ્લેક આઉટમાં લોકો પણ જોડાય તે માટે લોકોના ઘર અને કચેરી કે દુકાનના સ્થળોએ જાહેર કરેલા સમયે લાઈટ બંધ કરવા માટે અપીલ કરવામાં આવી છે. લાઈટ બંધ થઈ જશે ત્યારે પેનિક થવાનું નથી અને આ સમય દરમિયાન લોકોએ પોતાના ઘર અને કામ ધંધા ના સ્થળે લાઈટ બંઘ રાખવા માટે અપીલ કરી છે.