વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણીમાં પહેલીવાર ભાજપે મૌખિક મેન્ડેટ આપ્યો હતો.જેમાં બાકી રહેલી છ બેઠક પૈકી ડેસરના ડિરેક્ટર કપાયા છે અને બાકીના પાંચ ડિરેક્ટરને ભાજપે ફોર્મ ભરવા કહ્યું છે.
બરોડા ડેરીની આગામી તા.૧૮મી માર્ચે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ પાછા ખેચવાની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં આજે પાંચ ફોર્મ પરત ખેંચાયા હતા.જ્યારે આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી જે બેઠકો બિનહરીફ થઇ નથી તે બેઠકના વર્તમાન ડિરેક્ટરો બિનહરીફ થવા માટે પ્રતિસ્પર્ધી ઉમેદવારને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
બીજીતરફ કુલ ૧૩ બેઠકમાંથી પ્રમુખ- ઉપપ્રમુખ સહિત ૭ બેઠક બિનહરીફ થઇ જતાં બાકીની ૬ બેઠક માટે ભાજપે રહીરહીને પહેલીવાર મૌખિક મેન્ડેટ આપ્યો છે.જેમાં સાવલીના ધારાસભ્યએ જેનો વિરોધ કર્યો હતો તે ડેસરના ક્ષત્રિય આગેવાન કુલદીપસિંહ રાઉલજીને ભાજપે પડતા મૂકી ધારાસભ્ય જૂથના ક્ષત્રિય સમાજના સુરપાલસિંહ પરમારને મેન્ડેટ અપાયો છે.
ડેસર ઉપરાંત બાકી રહેલી કરજણ, તિલકવાડા,ડભોઇ, પાવી જેતપુર અને વડોદરા તાલુકાની કુલ છ બેઠકો પર ભાજપે વર્તમાન ડિરેક્ટરોને રીપીટ કરવાની મૌખિક સૂચના આપી છે.


