વડોદરા જિ.પંચાયત,તાલુકા પંચાયતો અને 3 પાલિકાઓના હોદ્દેદારો માટે ભાજપની આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા

વડોદરાઃ વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાયા બાદ હવે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓની પસંદગી માટે ભાજપના નિરીક્ષકો બે દિવસ માટે સેન્સ લેવા માટે જિલ્લા કાર્યાલય ખાતે આવનાર છે.
વડોદરા જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લાની આઠ તાલુકા પંચાયતો અને ચાર નગર પાલિકામાંથી ડભોઇ સિવાયની તમામ સંસ્થાઓમાં ભાજપે બહુમતી મેળવી છે.જેથી સંસ્થાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન,પક્ષના નેતા અને દંડક જેવા હોદ્દાઓની નિયુક્તિ માટે ભાજપના ત્રણ પ્રદેશ નિરીક્ષકો વડોદરા આવનાર છે.
આવતીકાલે સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી વડોદરા જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને ડભોઇ સિવાયની કરજણ, પાદરા અને સાવલી નગર પાલિકાઓના સેન્સ લેવાશે.જ્યારે,તા.૩જીએ સવારે ૯થી ૧૧ દરમિયાન વડોદરા જિલ્લા પંચાયત માટે સેન્સ લેવાશે.સેન્સ પ્રક્રિયામાં જિલ્લામાં રહેતા રાષ્ટ્રીય-પ્રદેશ પદાધિકારીઓ, કારોબારી સભ્યો,જિલ્લાના પક્ષના પદા ધિકારીઓ,ધારાસભ્યો,સાંસદ અને ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે.
વડોદરા જિ.પંચાયતના પ્રમુખપદે ચાર મહિલા ઓબીસીમાંથી કોની પસંદગી થશે
વડોદરા જિલ્લા પંચાયતનું પ્રમુખપદ મહિલા ઓબીસી માટે અનામત હોવાને કારણે વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪માંથી ભાજપે મેળવેલી ૩૨ બેઠકોમાં ચાર મહિલા ઓબીસી ઉમેદવાર વિજેતા બન્યા છે.જેથી તેમાંથી જ કોઇ એક પ્રમુખ બનશે.આ ચાર મહિલાઓમાં કરજણની ચોરંદા બેઠક પર જ્યોત્સનાબેન રબારી બિનહરીફ થયા છે. જ્યારે,સાવલીની ધનતેજ બેઠક પરથી નેહાબેન બારોટ,વાઘોડિયાની ગોરજ બેઠક પરથી જ્યોત્સનાબેન બારીયા અને પાદરાની ગણપતપુરા બેઠક પરથી ભૂમિકાબેન સોલંકી વિજેતા બન્યા છે.








