સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા
વન મંત્રી સમક્ષ રોષ ઠાલવતો ધારીના ધારાસભ્ય કાકડિયાનો પત્ર
'વનતંત્રએ સમયસર તપાસણી કરી હોત તો સિંહોને બચાવી શકાત', એવું કહીને વન્યપ્રાણીના હુમલામાં માનવીના મોત માટે પણ વનવિભાગને જવાબદાર ગણાવ્યો
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને લખેલા પત્રમાં ધારાસભ્ય જે.વી. કાકડિયાએ લખ્યું છે કે, 'પાલીતાણા શેત્રુંજી ડિવિઝન અને ધારી પૂર્વ ગીર ડિવિઝનમાં છેલ્લા બે માસમાં સિહોના મૃત્યુના બનાવ બનેલ છે. તાજેતરમાં સિંહબાળના મૃત્યુ થયેલ છે. આ મૃત્યુ કોઈ વાયરસના કારણે થયાનું જાણવા મળે છે. વન વિભાગના નિયમોને આધીન ટ્રેકર તેમજ વનવિભાગના અન્ય અધિકારીઓ વન વિસ્તારમાં ફરતા હોય છે. આમ છતાં આ બાબતે આ સિંહબાળ મૃત્યુ ક્યાં કારણોસર થયેલ તેમને ધ્યાને આવેલ નહિ કે સ્થાનિક કક્ષાએથી વન વિભાગને કોઈએ ધ્યાને મુકવામાં આવેલ ન હોઈ તેવું પણ સંભવ છે. આ બાબત અતિ ગંભીર છે. વન્ય પ્રાણીના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા સિંહોની કે સિંહ બાળની જે-તે સમયે તપાસણી કરવામાં આવેલ હોત તો આ સિંહ બાળ કે અન્ય સિંહોના મૃત્યુના બનાવો અટકાવી શકાત.'
વધુમાં તેમણે લખ્યું છે કે, 'અગાઉ પણ થોડા સમય પહેલા દીપડાના હિંસક હુમાલાના કારણે માનવ અપમૃત્યુના બનાવ બનેલ છે, તેમાં પણ વન વિભાગની નિષ્કાળજી જણાયેલ હતી. વનવિભાગની કામગીરી હાલની તકે સંતોષકારક હોય તેવું જણાતું નથી. સમગ્ર એશિયામાં માત્ર અને માત્ર અમારા ગિર વિસ્તારમાં જ એશિયાટિક સિંહો વસવાટ કરે છે. તેના જતન કે સંવર્ધન અને સુરક્ષાની બાબત માત્ર વન વિભાગની જ નહિ પણ આમ નાગરિકો માટે પણ મહત્વની છે. ત્યારે એશિયાટિક સિંહની રક્ષણની બાબતને અગત્યની ગણીને વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓની ઉપર પુરતું ધ્યાન આપે એવું સુચન કરું છું.'
- ગાંધીનગર સુધી પડઘા પડતાં વન વિભાગમાં દોડધામ : અમરેલી જિલ્લામાં સિંહોનાં મોત મામલે ઊચ્ચ અધિકારીઓ દ્વારા રૂબરૂ નિરીક્ષણ
- જાફરાબાદ રેન્જની સમીક્ષા બાદ બીમાર સિંહોની સારવાર ચાલી રહી છે એ ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી
અમરેલી: અમરેલી જિલ્લામાં સિંહોના મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એક સપ્તાહમાં ભેદી રીતે ત્રણ સિંહબાળના મોત થયા બાદ આજે વધુ એક સિંહણના મોતથી આંકડો ચાર પર પહોંચી ગયો છે. ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં થઇ રહેલા સિંહોના મોતના પગલે ગાંધીનગર સુધી પડઘા પડતા વનતંત્ર દોડતું થયું છે.
પરિણામે સિંહોના મોતને ગંભીરતાથી લઈ આજે રવિવારે ગાંધીનગરથી પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (પીસીસીએફ) જયપાલ સિંહ તેમજ જૂનાગઢના ચીફ ફોરેસ્ટર રામ રતન નાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમણે પહેલા જાફરાબાદ રેન્જ અને ત્યારબાદ રાજુલા પાસેના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં હાલમાં બીમાર સિંહોની સારવાર ચાલી રહી છે.
વનવિભાગના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસ મુજબ એનિમિયા અને નિમોનિયા જેવા સંક્રમણ સિંહોના મોત પાછળનું મુખ્ય કારણ હોવાનું લાગી રહ્યું છે. એ સાથે દરેક મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. વનવિભાગે સમગ્ર મામલે સજાગતા દાખવી છે અને જણાવ્યું છે કે હવે પ્રતિસાદ માત્ર દવાઓ કે સારવારથી નહીં પણ સમગ્ર સંસ્થાગત કામગીરીમાં સુધારાઓ દ્વારા સિંહોના જળવાઈ રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
- રાજુલા પંથકમાં વધુ એક સિંહણનું મોત
અમરેલી: અમરેલી જિલ્લામાં સિંહોના મોતથી ઉહાપોહ મચ્યો છે ત્યારે જ આજે રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ કુદરતી મોત હોવાનું જાહેર કરાયું હતું. જો કે, મૃતદેહને વધુ તપાસ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
- રાજુલાના ધારાસભ્યએ પણ વનતંત્રમાં જવાબદારી નક્કી કરવા માંગ કરી'તી
અમરેલી જિલ્લામાં સિંહોના મોતની ઘટના મામલે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ અગાઉ વનમંત્રીને પત્ર લખી સંલગ્ન અધિકારીઓ સામે તપાસ ચલાવીને જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોએ પણ વનવિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. જો કે, દરેક વખતે સિંહોના મોતને વનવિભાગ છુપાવવાનો અને બાદમાં કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરતું આવ્યું છે.