વિધાનસભાના બે દિવસીય સત્ર પહેલા મળી ભાજપની ધારાસભ્ય દળની બેઠક


- રજૂ થનારા 7 બિલ અંગે ચર્ચા કરવામાં આવી અને કયા બિલ અંગે કોણ બોલશે તેની પણ જાણકારી આપવામાં આવી

ગાંધીનગર, તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર

ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર પહેલા ભાજપની એક બેઠક મળી હતી જેમાં પાર્ટીના તમામ ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષની રણીનીતિ સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર મળવાનું છે જે ગુજરાતની 14મી વિધાનસભાનું અંતિમ સત્ર હશે. વર્ષના અંતે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ અંતિમ સત્ર હશે. વિધાનસભાના આ ટૂંકા સત્રમાં ભારે હંગામાની શક્યતા છે કારણ કે, સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટીએ પણ તૈયારી કરી લીધી છે. 

વિધાનસભા સત્ર પહેલા વિધાનસભાના શાસક પક્ષના ખંડ ખાતે મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત ભાજપના ધારાસભ્યોએ હાજરી આપી હતી. તેમાં બે દિવસીય સત્રની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત નિયમમાં રહીને સત્ર ચલાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના દેખાવો અને વિરોધ મામલે જો વિપક્ષ નિયમો તોડીને આક્રમક બનશે તો તેઓ નિયમમાં રહીને જડબાતોડ જવાબ આપશે તેમ જણાવ્યું હતું. 

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ભાજપની બેઠકમાં તમામ સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિધાનસભામાં રજૂ થનારા 7 બિલ અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત કયા બિલ અંગે કોણ બોલશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી. સાથે જ 7 સભ્યોના અવસાન અંગે શોક દર્શક ઠરાવ રજૂ થશે. 

સભ્યોને સત્ર દરમિયાન કોઈ ભૂલ ન થાય તે માટે સૂચના આપવામાં આવી હતી અને નિયમમાં રહીને ચર્ચા કરવા અને સચોટ જવાબ, વિગતો આપવા જણાવાયું હતું. 

નોંધનીય છે કે, વિધાનસભામાં આજે બપોરે 12:00 કલાકે સત્રની પ્રથમ બેઠક શરૂ થઈ છે. જેમાં ટૂંકી મુદ્દતના પ્રશ્નથી શરૂઆત થશે અને એક કલાક સુધી ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.


City News

Sports

RECENT NEWS