Get The App

વિકાસની વિચારધારાને સમર્પિત છે ભાજપનો કાર્યકર : જગદીશ વિશ્વકર્મા

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
વિકાસની વિચારધારાને સમર્પિત છે ભાજપનો કાર્યકર : જગદીશ વિશ્વકર્મા 1 - image

રાજકોટમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખની ઉપસ્થિતિમાં મહા સંમેલન

રેસકોર્સ મેદાનમાં સત્કાર સમારોહ, સ્વાગત રેલી અને મહાસંમેલનમાં ૨૦ હજારથી વધુ લોકો ઉમટયા, સંતો, મહંતો અને સામાજિક આગેવાનો દ્વારા અભિવાદન કરાયું

રાજકોટ: આજરોજ અહી રેસકોર્સ મેદાનમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓના મહાસંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું સંતો-મહંતો, આગેવાનો અને જુદા-જુદા સામાજિક સંગઠનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ૨૦ હજારથી વધુ ઉપસ્થિત કાર્યકરોના મહાસંમેલનને સંબોધી પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભાજપનો કાર્યકર એ વિકાસની વિચારધારાને સમર્પિત હોવાનું જણાવ્યું હતું. 

તાજેતરમાં ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણુંક થયા બાદ આજરોજ પ્રથમ વખત રાજકોટ આવી પહોંચતા તેઓનું હીરાસર એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યા બાદ વિશાળ કારરેલી યોજવામાં આવી હતી. ગ્રીનલેન્ડ ચોકડીએ કાર રેલીનો કાફલો આવી પહોંચ્યા બાદ અહીથી રેસકોર્સ મેદાન સુધી વધુ ૨ હજાર કાર્યકરોની બાઈકરેલી યોજાઈ હતી. સંખ્યાબંધ લોકોએ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને ફુલડે વધાવ્યા હતાં.

રેસકોર્સ ખાતે આયોજિત મહાસંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના ૧૪૦ કરોડ લોકોને વિશ્વમાં ગૌરવ અપાવવાનું કામ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. તેઓએ સૌરાષ્ટ્રના ગામે ગામ નર્મદાના પાણી પહોંચાડીને અહીનો પાણી પ્રશ્ન કાયમી ધોરણે હલ કર્યો છે. તાજેતરમાં જીએસટીમાં કરેલા સુધારાથી અર્થતંત્રને નવુ બળ મળ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતનું મોડેલ સમગ્ર દેશમાં ઉદાહરણીય બન્યું છે. મેઇક ઇન ઇન્ડિયા, કલમ ૩૭૦ની નાબૂદી અને ઓપરેશન સિંદૂર સહિતના નિર્ણયો થકી દુનિયાભરમાં ભારત દેશનું નામ રોશન થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું. 

વધુમાં તેઓએ ભાજપના રાષ્ટ્રીય વિકાસલક્ષી નેતૃત્વ થકી રાજકોટને એઈમ્સની સુવિધા ઉપરાંત ઈન્ટરનેશનલ એરપોર્ટ, આધુનિક બસપોર્ટ, સાયન્સ સીટી, લાઈટ હાઉસ - પ્રોજેકટ સહિતની હાઉસ પ્રોજેકટ સહિતની સુવિધા મળી હોવાનું જણાવી સરદાર સરોવર ડેમને કોંગ્રેસના શાસનકાળમાં દરવાજા ચડાવવા વર્ષો સુધી રાહ જોવી પડી હતી. તેમ કહી કોંગ્રેસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. પ્રવચનના અંતમાં તેઓએ રાજકોટ ખાતે રેસકોર્સ મેદાનમાં સ્વદેશી મેળાનું આયોજન થયું હોવાનું જણાવી દિવાળીના તહેવારોમાં દરેક લોકો સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદી ભારતીય કારીગરોના હાથ મજબુત કરે તેવું આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંચ ઉપર રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા ઉપરાંત ધારાસભ્યો, સહકારી ક્ષેત્રના પદાધિકારીઓ, આગેવાનો  ઉપરાંત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.