વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરની બહેનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Vadodara : વડોદરામાં હરણી રોડ પર સવાદ ક્વાર્ટરમાં રહેતા અંકિતાબેન એકનાથભાઈ ઉત્તેકર ઉંમર વર્ષ 34 ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને અપરણિત હતા. તેમના માતા પિતા સાથે તેઓ મુંબઈ લગ્ન પ્રસંગે ગયા હતા. ગઈકાલે રાત્રે 8:00 વાગે અંકિતાબેન અને તેમના માતા પિતા મુંબઈ લગ્ન પ્રસંગેથી પરત વડોદરા આવ્યા હતા. માતા-પિતા અંદરના રૂમમાં સુઈ ગયા હતા જ્યારે અંકિતાબેન આગળના રૂમમાં હતા. રાત્રે ચાલવા માટે નીકળેલા એક વ્યક્તિએ અંકિતાબેનને પંખા પર લટકતા જોઈને તેમના માતા પિતાને ઉઠાડ્યા હતા અને અંકિતાબેનને નીચે ઉતારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેમનુ મોત થયું હતું.
વારસિયા પોલીસે સ્થળ પર જઈ મૃતદેહ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસને કોઈ અંતિમ ચિઠ્ઠી મળી નથી, પરંતુ અંકિતાબેનનો મોબાઇલ ફોન લોક હોય તે તપાસ માટે કબજે લીધો છે. આપઘાતનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી ઉલ્લેખનીય છે કે અંકિતાબેન ભાજપના મહિલા કોર્પોરેટર શ્વેતાબેન ઉત્તેકરના બહેન છે.