Gujarat

વડોદરા જિલ્લામાં કરજણ અને શિનોર તાલુકા પંચાયતમાં ભાજપને વધુ બે બેઠકનો ફાયદો

By GS TEAM
14 Apr 20262 mins read
વડોદરા જિલ્લામાં કરજણ અને શિનોર તાલુકા પંચાયતમાં ભાજપને વધુ બે બેઠકનો ફાયદો

વડોદરાઃ વડોદરા જિલ્લામાં ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમિયાન તાલુકા પંચાયતની વધુ બે બેઠકો ભાજપને ફાળે ગઇ છે.નોંધપાત્ર બાબત એ છે કે,આ બંને બેઠકો માટે ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ શૌચાલયનું કહેવાયું છે.

મળતી માહિતી મુજબ,વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની બારસામળી બેઠક  પર કોંગ્રેસના ઉમેદવાર હેમલતાબેન વાસદીયા અને ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાજ હતા.જેમાં કોંગ્રેસના ઉમેદાવારને ત્યાં શૌચાલય નહિ હોવાનો ભાજપના ઉમેદવારે રજૂઆત કરી વાંધો લેતાં તલાટીના રિપોર્ટમાં પણ શૌચાલય નહિ હોવાનો ઉલ્લેખ હોવાથી ફોર્મ રદ થયું હતું.જો કે કોંગ્રેસના ઉમેદવારે આ નિર્ણય ખોટો હોવાનું કહ્યું છે.તેઓ મામાને ત્યાં રહે છે અને ત્યાં શૌચાલય હોવાથી ગત વર્ષે જ ગ્રામ પંચાયતમાં તેઓ ચૂંટાયા હોવાનું કહ્યું છે.

આવી જ રીતે શિનોર તાલુકા પંચાયતની વિભાગ-૧ની બેઠક પર ભાજપના પ્રમોદ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર રમેશ વસાવા પાસે શૌચાલય નહિ હોવાનો વાંધો લીધો હતો.જેમાં તલાટીનો રિપોર્ટ શૌચાલય હોવાનું દર્શાવતો હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.આ કેસમાં અધિકારીએ ઉમેદવારે દર્શાવેલા સરનામા પર મુલાકાત લેતાં તેમાં શૌચાલય નહિ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.જેથી કોંગ્રેસના ઉમેદવારે લીગલ કાર્યવાહી પણ કરવાનું નક્કી કર્યું છે.આમ,કોંગ્રેસના બે ફોર્મ રદ થતાં બંને બેઠકો ભાજપને ફાળે આવી છે.

જો શૌચાલય ના હોય તો હું સરપંચ અને મારી પત્ની પંચાયતની સભ્ય કેવીરીતે ચૂંટાયા

કરજણની બાર સામળી બેઠક પર ફોર્મ રદ થતાં કોંગ્રેસના ઉમેદવારે હૈયાવરાળ ઠાલવી હતી.

કોંગી ઉમેદવાર જ્યોત્સનાબેન રાજના પતિ વિપુલભાઇએ કહ્યું હતું કે,અમે વર્ષોથી મારા મામાને ત્યાં રહીએ છીએ અને એક જ રસોડું છે.શૌચાલયની પણ વ્યવસ્થા છે.જે મુજબ ફોર્મ ભરીને વર્ષ ૨૦૧૬માં હું સરપંચ બન્યો હતો.

વર્ષ-૨૦૨૫માં આ જ પ્રકારે ફોર્મ ભરીને મારી પત્ની ગ્રામ પંચાયતમાં ચૂંટાઇ હતી.તે વખતે ફોર્મ મંજૂર થયું હતું.પરંતુ આ વખતે ગયા વખતની જેમ જ ફોર્મ ભર્યું હોવા છતાં અમારું ફોર્મ રદ થતાં અમે વિરોધ વ્યક્ત કર્યો છે.