Get The App

બોરસદની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભાજપ પેનલની હાર, અપક્ષ પેનલની જીત

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
બોરસદની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભાજપ પેનલની હાર, અપક્ષ પેનલની જીત 1 - image

- ડેરીની તમામ 11 બેઠકો પર અપક્ષોનો કબજો 

- બોરસદ શહેર ભાજપના વોર્ડ ૬ના પૂર્વ કાઉન્સિલરના પિતા, વોર્ડ ૫ના પૂર્વ કાઉન્સિલરના પતિની પણ ચૂંટણીમાં હાર : ભાજપના હોદ્દેદારોની હાર થતા પાલિકાની ચૂંટણીમાં નવા સમીકરણો ગોઠવવા પડશે 

આણંદ : બોરસદ શહેરના ત્રણ જેટલા વિસ્તારમાં હાલ દૂધ ઉત્પાદક મંડળી કાર્યરત છે. જેની સામાન્ય ચૂંટણીઓ ૮ જાન્યુઆરીના રોજ યોજાઇ હતી. છેલ્લા ૧૫ દિવસથી ચર્ચામાં રહેલી દૂધ મંડળીના પરિણામોમાં ભાજપની આખી પેનલનું માત્ર ૧૦૦ મતની અંદર ગૂંચળું વળી જતા અપક્ષોએ બનાવેલી વિકાસ પેનલે ડેરીની તમામ ૧૧ બેઠકો પર કબજો મેળવ્યો છે. બોરસદમાં ભાજપના સમીકરણો નવેસરથી ગોઠવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. 

બોરસદ શહેરના વિવિધ વિસ્તારમાં દૂધ ઉત્પાદક મંડળીની ત્રણ શાખાઓ આવેલી છે. જેમાં નારાયણ નગર સોસાયટી પાસે, બીજી શાખા ટાઉનહાલ પાસે અને ત્રીજી શાખા નાવડ વિસ્તારમાં આવેલી છે. ત્રણેય દૂધ મંડળીની વ્યવસ્થાપક કમિટીની સામાન્ય ચૂંટણીની જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જાહેરાત કરવામાં આવી હતી અને જેનું મતદાન ૮ જાન્યુઆરીના રોજ યોજાયું હતું. ત્રણેય શાખાના અંદાજિત ૬૮૦ મતદારો ધરાવતી દૂધ મંડળીમાં મતદાનના દિવસે ૫૮૫ મતદારોએ મતદાન કર્યું હતું અને ૮ જાન્યુઆરીની સાંજે ત્રણથી છમાં મત ગણતરી પણ યોજાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, દૂધ મંડળી મુખ્યત્વે ઠાકોર ક્ષત્રિય અને અન્ય જ્ઞાતિના તેમજ માલધારી જ્ઞાતિનું વર્ચશ્વ ધરાવે છે. હાલ નારાયણનગર પાસે આવેલી મંડળીનો વોર્ડ બેમાં સમાવેશ થાય છે, જ્યારે અન્ય બે મંડળીનો વોર્ડ પાંચ અને વોર્ડ છમાં સમાવેશ થાય છે. મહત્વ એ છે કે વોર્ડ પાંચ અને છ ભાજપનો ગઢ ગણાય છે અને આમ બંને વોર્ડમાં રહેલા ક્ષત્રિય ઠાકોર માલધારી સમાજ સહિતના અન્ય મતદારો ભાજપ તરફી ઝુકાવ રાખતા હોય છે. જેથી દૂધ મંડળીની ચૂંટણીમાં ભાજપ દ્વારા બનાવવામાં આવેલી પતંગ પેનલ બહુમતીથી જીતશે તેવું અનુમાન સેવાઈ રહ્યું હતું. પરંતુ પરિણામોમાં મોટી ઉથલપાથલ થઈ હતી. ભાજપના વર્ચસ્વ વાળા વોર્ડમાં અપક્ષોએ બનાવેલી વિકાસ પેનલના તમામ ઉમેદવારો બહુમતીથી જીતી ગયા હતા અને ભાજપની પેનલના સૂપડા સાફ કરી દેતા બોરસદ શહેરમાં આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પણ વોર્ડ બે, વોર્ડ પાંચ અને છમાં ભાજપને ફરીથી નવેસરના સમીકરણો ગોઠવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. 

વોર્ડ છમાં હારેલા ભાજપના ઉમેદવાર ઠાકોર પૂનમભાઈ પહેલા નગરપાલિકાના કાઉન્સિલર હતા, જ્યારે તેમના દીકરા મહેશભાઈ ઠાકોર બોરસદ શહેર ભાજપના વોર્ડ ૬ના પૂર્વ કાઉન્સિલર પણ હતા અને ઠાકોર સેનાના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી રહ્યાં છે. વોર્ડ છના વિકાસના કામોમાં છેલ્લા ત્રણ વર્ષથી મહેશભાઈ ઠાકોર સક્રિય રહેવા હોવા છતાં પણ તેમના પિતાની કારમી હાર થતા ભાજપના કાર્યકરોમાં સોંપો પડી ગયો છે. 

અન્ય હકીકત એ પણ છે કે, વોર્ડ પાંચમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર જયમીનીબેન પટેલના પતિ દશરથભાઈ પટેલ જે ભાજપમાં બોરસદ શહેર ભાજપ પૂર્વપ્રમુખ પણ હતા. તેમની પણ ચૂંટણીમાં હાર થવાથી વોર્ડ પાંચમાં ભાજપનું  ધોવાણ થયું છે. આગામી બે મહિનામાં બોરસદ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે બોરસદ દૂધ મંડળીની ચૂંટણીના પરિણામોએ હવે ભાજપને નવેસરથી નવા સમીકરણો ગોઠવવા માટે મજબૂર કર્યા છે તેવી ચર્ચાઓ ઉઠી રહી છે. 

વિકાસ પેનલના જીતેલા ઉમેદવારો અને મત

ઠાકોર કિરણભાઈ.. ૨૮૫ 

પટેલ સુનિલભાઈ.. ૧૯૫ 

ઠાકોર શાંતિલાલ ..૧૯૩. 

ઠાકોર છગનભાઈ.. ૧૮૮ 

ગોહેલ રાકેશ કુમાર.. ૧૮૨. 

રબારી ભરતભાઈ  . ૧૮૦. 

તળપદા સંજયભાઈ ..૧૭૭. 

ઠાકોર સુમિત્રાબેન ....૨૬૪. 

રોહિત લતાબેન .......૧૯૩ 

રોહિત ભરતભાઈ ....૧૯૬ 

પટેલ રાજેશભાઈ ....૧૮૧...

ભાજપની પતંગ પેનલના ઉમેદવારો અને મત

સોમાભાઈ ચાવડા... ૭૪ 

ગીતાબેન ઠાકોર..... ૮૯. 

શંભુભાઈ ઠાકોર ....૭૨. 

જયેશભાઈ ઠાકોર .૭૯

દશરથ પટેલ ........૭૮. 

પરસોતમ ઠાકોર... ૮૩.

પુનમભાઈ ઠાકોર...૭૯.

રમેશભાઈ ઠાકોર ...૮૩. 

રમણભાઈ ઠાકોર... ૮૧. 

મહેશભાઈ ઠાકોર... ૭૬.