Gujarat

ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં

By GS TEAM
21 Oct 20252 mins read
TukuTouch Logo
છેલ્લાં ઘણાં વખતથી ભાજપમાં એવો ગણગણાટ ચાલી રહ્યો હતો કે, આયાતીઓ માટે લાલ જાજમ પાથરવામાં આવે છે, જ્યારે પક્ષના સંનિષ્ઠ કાર્યકરોની ધરાર અવગણના કરાય છે. આરએસએસ-સંઘના દબાણને લીધે ભાજપ હાઇકમાન્ડે હવે આખીય રણનીતિ બદલી છે. નવા મંત્રીમંડળની રચનામાં તેનું પ્રતિબિંબ જોવા મળ્યુ છે. જે રીતે બાદબાકી કરવામાં આવી છે તે જોતાં પક્ષપલટુઓને હાઇકમાન્ડે સીધો સંદેશ આપ્યો છેકે, પહેલાં પક્ષ માટે જાત ઘસો પછી જ વારો. હાલ કશું જ નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં

Gujarat New Cabinet: છેલ્લાં ઘણાં વખતથી ભાજપમાં એવો ગણગણાટ ચાલી રહ્યો હતો કે, આયાતીઓ માટે લાલ જાજમ પાથરવામાં આવે છે, જ્યારે પક્ષના સંનિષ્ઠ કાર્યકરોની ધરાર અવગણના કરાય છે.  આરએસએસ-સંઘના દબાણને લીધે ભાજપ હાઇકમાન્ડે હવે આખીય રણનીતિ બદલી છે. નવા મંત્રીમંડળની રચનામાં તેનું પ્રતિબિંબ જોવા મળ્યુ છે.  જે રીતે બાદબાકી કરવામાં આવી છે તે જોતાં પક્ષપલટુઓને હાઇકમાન્ડે સીધો સંદેશ આપ્યો છેકે, પહેલાં પક્ષ માટે જાત ઘસો પછી જ વારો. હાલ કશું જ નહીં.

મોઢવાડિયા-બાવળિયાને લાઇમલાઇટમાં ન આવે તેવા ખાતા ફાળવાયાં   

લોકસભા-વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે જાણે કમલમમાં ભરતી મેળો યોજ્યો હતો. એટલુ જ નહીં, વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ માટે પરસેવો પાડનારાંને કોરાણે મૂકીને પક્ષપલટુઓને ટીકીટ આપી હતી. કેસરિયો ખેસ ધારણ કરી ધારાસભ્ય બનનારાં મંત્રીપદ મેળવવા માટે ઉતાવળા થયા હતાં પણ આ વખતે ભાજપમાં આંતરિક રોષ એટલી હદે ભભૂક્યો હતો કે, જો મૂળ કોંગ્રેસીઓને વઘુ તક અપાઇ હોત તો કદાચ ડેમેજ કંટ્રોલ કરતાં ભાજપને આંખે પાણી આવી  જાત. અગાઉથી સ્થિતીને પારખી જતાં આરએસએસ-સંઘે દબાણ કરતાં મંત્રીમંડળમાં માત્ર સંનિષ્ઠ, સ્વચ્છ પ્રતિભા ધરાવતાં અને યુવાઓને પ્રાથમિકતા આપવી પડી હતી. 

મંત્રીમંડળમાં આયાતી હાર્દિક પટેલ, સી.જે.ચાવડા. અલ્પેશ ઠાકોર અને મોઢવાડિયાનું નામ મોખરે બોલાતુ રહ્યુ હતું. જૂના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસી રાઘવજી પટેલ, બળવંતસિહ રાજપૂત, કુંવરજી બાવળિયા હતાં જ. આ જોતાં આંતરિક ધૂઘવાટ વઘ્યો હતો જેના કારણે મંત્રીમંડળમાં આયાતીઓને વધુ પ્રતિનિધિત્વ નહી આપવા નક્કી કરાયુ હતું. એટલે જ રાઘવજી પટેલને બિમારીનું કારણ ધરીને રવાના કરાયા હતાં. જ્યારે ક્ષત્રિય આંદોલન ઠારવામાં ઉણાં ઉતરતાં બળવંતસિંહ રાજપૂતને ઘરભેગા કરાયા હતાં. 

કોળી મતદારોને ઘ્યાનમાં રાખીને કુંવરજી બાવળિયાને યથાવત રખાયાં પણ અન્ન પુરવઠા અને પાણી પુરવઠા જેવા મહત્વના ખાતા પરત લઇ માત્ર શ્રમ રોજગાર વિભાગ આપી દેવાયુ હતું.આ ઉપરાંત અર્જૂન મોઢવાડિયાને પણ વન પર્યાવરણ વિભાગ આપીને લાઇમલાઇટમાં ન આવે તેવી કાળજી રખાઇ હતી. 

અલ્પેશ ઠાકોરનું નામ ટોપ પર ચાલી રહ્યુ હતું પણ સ્વરુપજી ઠાકોરને મંત્રીપદ આપી ભાજપે જાણે અપસેટ સર્જ્યો હતો. ગુરુને બદલે ચેલાને મંત્રી બનાવી હાઇકમાન્ડે મૂળ કોંગ્રેસી બાજુએ હડસેલી ભાજપમાં હવે આયાતીનું મહત્ત્વ નથી તેવો સંદેશ આપવાનો કોશિશ કરી છે. આ જ પ્રમાણે, સી.જે.ચાવડા અને હાર્દિક પટેલને પણ મંત્રીપદના વેઇટીંગ લિસ્ટમાં મૂકી દેવાયાં હતાં. ટૂંકમાં પક્ષપલટુઓને વઘુ મહત્ત્વ નહી આપીને ભાજપે અસંતોષ ઠારવા મથામણ કરી છે.