Get The App

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમાયું

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમાયું 1 - image


Narmada News: નર્મદા જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળના ટેન્ડર મુદ્દે ભાજપમાં જ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. એક તરફ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઓછા ભાવોને કારણે 'રી-ટેન્ડરિંગ'ની માગણી કરી રહ્યા છે, તો બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવા 'વર્ક ઓર્ડર' તાત્કાલિક આપવાની રજૂઆત કરી રહ્યા છે. આ મુદ્દે સરકારમાં થયેલી રજૂઆતોથી રાજકારણ ગરમાયું છે.

ધારાસભ્યનો પક્ષ: ભવિષ્યમાં નાણાકીય ઉચાપતની ભીતિ

ડો. દર્શનાબેન દેશમુખે રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, મનરેગાના ટેન્ડર માટે એજન્સીઓએ માર્કેટ અને એસ.ઓ.આર. (Schedule of Rates) રેટ કરતાં 50 થી 60 ટકા ઓછા ભાવ ભર્યા છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આટલા નીચા ભાવે કામ માટે માલસામાન પહોંચાડવો શક્ય નથી. તેમનો તર્ક છે કે આનો હેતુ ભવિષ્યમાં નાણાકીય ઉચાપત કરવાનો હોઈ શકે છે. તેથી તેમણે આવા ટેન્ડરો મંજૂર ન કરવા અને ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા વિનંતી કરી છે.

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમાયું 2 - image

સાંસદનો પક્ષ: સરકારી નાણાંની બચત અને અધિકારીઓનો વિલંબ

સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના DDOને પત્ર લખીને આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયાને 4 મહિના વીતી ગયા હોવા છતાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યા નથી. તેમના મતે, ઓછા ભાવોથી સરકારી નાણાંની બચત થાય છે, ઉચાપતનો કોઈ પ્રશ્ન નથી.

વસાવાએ કેટલાક અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું છે કે, તેઓ યોજનાની માર્ગદર્શિકાઓને અવગણીને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે અને ઓછો ભાવ ગણાવીને ટેન્ડર રદ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારનો આવો કોઈ ઠરાવ નથી કે નીચા ભાવે ટેન્ડર રદ કરવા. સાંસદે ભારપૂર્વક જણાવ્યું કે કામની ગુણવત્તા જાળવવાની જવાબદારી અધિકારીઓની છે, પરંતુ તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમાયું 3 - image

સમગ્ર ઘટનાક્રમ

મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લામાં 2025-26 માટે મનરેગા યોજનાના ટેન્ડર પૂર્ણ થઈ ગયા છે. આ જ મુદ્દે તાજેતરમાં દાહોદ અને ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં કેટલાક નેતાઓ અને તેમના સગા-સંબંધીઓની સંડોવણી સામે આવી હતી અને તેમની ધરપકડ પણ થઈ હતી. આવા સંજોગોમાં નર્મદામાં પણ ટેન્ડર પ્રક્રિયા મુદ્દે આ રાજકીય વિરોધાભાસ સામે આવતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમાયું 4 - image

Tags :