Get The App

ભાજપના ધારાસભ્ય શંભુનાથ સરકારી બાંધકામમાં હપ્તા લે છે, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખનો આરોપ

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપના ધારાસભ્ય શંભુનાથ સરકારી બાંધકામમાં હપ્તા લે છે, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખનો આરોપ 1 - image


Gadhada MLA Shabhunath Tundiya: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે તાજેતરની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચોના સન્માન સમારોહમાં આજે પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર મંચ પરથી ગઢડા બેઠકના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા ખળભળાટ મચ્યો હતો.

વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે આજે પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાના અઘ્યક્ષસ્થાને ‘સેવા હી સંગઠન’ દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં વલ્લભીપુર તાલુકાના 54 પૈકી 37 સરપંચ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ સંબોધન દરમિયાન ગઢડા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતાં. 

ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયાએ કર્યો ભ્રષ્ટાચાર

મુકેસ લંગાળિયાએ ધારાસભ્ય સામે આક્ષેપ કરતા આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા અને તેઓના પ્રતિનિધિઓ દ્વારા સરકારી બાંધકામો બની રહ્યા હોય તેમાં તેઓ હપ્તાઓ લઈને ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા બહારથી આવ્યા છે, તેઓને તાલુકાના લોકોની કોઈ ચિંતા નથી, કાર્યકર્તાઓના ફોન ધારાસભ્ય ઉપાડતા નથી વગેરે આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને રાજકીય માહોલ ગરમાયો હતો.ધારાસભ્યથી સરપંચો પણ નારાજ હોવાથી આ કાર્યક્રમમાં જોડાયા હોવાનું જાણવા મળેલ છે.

આ કાર્યક્રમમાં ન જવા માટે સ્થાનિક ભાજપ સંગઠને કાર્યકરો અને સરપંચોને ના પાડી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, ગઢડા વિધાનસભા બેઠકમાં વલ્લભીપુરનો સમાવેશ થાય છે અને કાર્યકરોના કામ નહીં થતા વિવાદ બહાર આવ્યો હોવાનુ ચર્ચાય રહ્યું છે.     

આક્ષેપોમાં તથ્ય નથી, પ્રદેશમાં જાણ કરાશે: જિલ્લા ભાજપ પ્રમુખ ગોહિલ 

વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ ગઢડા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આ બાબતે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માઘ્યમથી આ બાબત મને જાણવા મળી છે પરંતુ ધારાસભ્ય સામેના આક્ષેપમાં તથ્ય જણાતું નથી અને આ બાબતે પ્રદેશ ભાજપ સંગઠનને જાણ કરવામાં આવશે, ત્યારબાદ તેઓની સૂચના મુજબ પગલા લેવામાં આવશે. 

ગઢડા બેઠકના ધારાસભ્યનો સંપર્ક ન થઈ શકયો 

વલ્લભીપુર તાલુકાના લીમડા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા સામે ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યા છે ત્યારે આ અંગે હકીકત જાણવા માટે ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્યનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શકયો ન હતો.


Tags :