સામાન્ય સભામાં ભાજપની મેલીમૂરાદ, માર્શલોને બોલાવી વિપક્ષને બહાર કાઢ્યો

- 'વોટ ચોર, ગદ્દી છોડ'ના ટી-શર્ટને મુદ્દો બનાવી શાસકોએ ખેલ પાડયો
- વિપક્ષના વિરોધનો ખેલદિલીથી સામનો કરવાના બદલે શાસકોએ બહુમતી અને બળજબરીનું શસ્ત્ર ચલાવ્યું, 18 મિનિટમાં સભા પૂરી!
ભાવનગર મહાનગરપાલિકાના સભાગૃહમાં મળેલી સામાન્ય સભાની શરૂઆત થઈ તે પહેલા જ કોંગ્રેસના સભ્યોએ પ્લે કાર્ડ દેખાડી સભાને તોફાની બનાવવાના મૂડનો પરચો આપી દીધો હતો. પરંતુ શાસક પક્ષ પણ વિપક્ષની કારી ન ફાવવા દેવાની તૈયારી કરીને જ આવ્યો હોય તેમ પ્રશ્નોત્તરી કાળની શરૂઆતમાં જ વિપક્ષના નેતા અને સભ્યોએ પહેરેલા 'વોટ ચોર, ગદ્દી છોડ' લખેલા ટી-શર્ટને મુદ્દો બનાવી મેયર અને ભાજપના સભ્યોએ ધૂંધવાતી આગમાં ઘી હોમી ધનતેસરમાં કાળી ચૌદશના કકળાટનો ભડકો કર્યો હતો.
ટી-શર્ટ બદલી આવવા અને બોર્ડ રૂમમાંથી બહાર નીકળી જવાનું કહેતા કોંગ્રેસી સભ્ય ભરત બુધેલિયાએ અમે શું ગુનો કર્યો છે, કલમ દેખાડો તેવો સવાલ કરતા મેયર ગુસ્સે ભરાયા હતા અને માર્શલોને અંદર બોલાવી કોંગ્રેસ સભ્યોને ટીંગાટોળી કરાવી અને મહિલા સભ્યોને રજા વિના કેમ જતાં રહ્યા ?, કોઈનો આવી શકે તેમ કહી મેયરે બહાર કઢાવી મુક્યા હતા. ભારે વિરોધ અને દેકારા-પડકારા વચ્ચે મેયરે પ્રશ્નોત્તરી કાળ પૂરો કરવાની પણ તસ્દી લીધા વિના ફટાફટ તમામ ઠરાવને મંજૂર કરી સામાન્ય સભા પૂર્ણ કરાવી દીધી હતી.
શાસકના આવા વર્તનને કોંગ્રેસે લોકશાહીની હત્યા ગણાવી મનપામાં ભાજપનું તાલિબાની શાસન ગણાવી અમારે કયાં કપડાં પહેરવા એ તમારે નક્કી કરવાનું છે ? તેવા વેધક સવાલો કર્યા હતા. પૂર્વ વિપક્ષના નેતાએ કપડાં માંગ્યા તો સત્તારૂઢ ભાજપના સભ્યોએ ટીખળ કરતા તેમના મહિલા સભ્યોને સાડી, દુપટ્ટા આપવા કહીં શબ્દોની મર્યાદા ઓળંગ્યા હતા. કોંગ્રેસે 'વોટ ચોર, ગદ્દી છોડ' અને 'ભાજપ હાય..હાય..'ના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, વિપક્ષના વિરોધનો ખેલદિલીથી સામનો કરવાના બદલે શાસકોએ બહુમતી અને બળજબરીનું શસ્ત્ર ચલાવ્યું હતું, તે ભાવનગરની પ્રજામાં નિંદનિય બન્યું છે.
ભાજપનું તાલિબાની શાસન, અવાજ દબાવી તાનાશાહીની હદ વટાવી-લોકશાહીની હત્યા કરી : કોગ્રેસ
કોંગ્રેસના સભ્યો સવા કલાક સુધી લાઈટ વિના બેઠા રહ્યાં
૨૫ મિનિટ મોડા શરૂ થયેલી સામાન્ય સભા ૧૮ મિનિટમાં પૂરી કરી ભાજપના તમામ સભ્યોએ ચાલતી પકડી લીધી હતી. બીજી તરફ કોંગ્રેસે આખા કોર્પોરેશનને માથે લીધા બાદ સભ્યો ગાંધીચિંધ્યા માર્ગે સભા ગૃહમાં જ ધરણાં પર બેસી ગયા હતા. શાસકો અને અધિકારીઓએ અહીં પણ માનવતા નેવે મુકી દીધી હતી અને આજીજી કરવા છતાં સભા ગૃહના લાઈટ-પંખા, એસી શરૂ ન જ કરવાની જીદ પકડી રાખી હતી. જેથી કોંગ્રેસના સભ્યોને સવા કલાક સુધી લાઈટ વિના બેઠા રહેવું પડયું હતું. વિવાદના મધપૂડાનો ડંખ ન લાગે એટલે મેયર, કમિશનર અને અન્ય જવાબદાર અધિકારીઓએ કોર્પોરેશનમાંથી ચાલતી પકડી લીધી હતી.
પોલીસને લીલા તોરણે સભા ગૃહમાંથી બહાર નીકળવું પડયું
પ્રથમ માર્શલોએ કોંગ્રેસના સભ્યોને બોર્ડ રૂમમાંથી બહાર હાંકી મુકવા પ્રયાસ કર્યા બાદ પોલીસના પાવરનો પણ ઉપયોગ કરવાના નિષ્ફળ પ્રયાસ થયા હતા. એક ફોને નિલમબાગ પોલીસ દોડતી આવી હતી અને સભા ગૃહમાં પ્રવેશી જતાં વિપક્ષના પૂર્વ નેતાએ નિયમનો અરીસો દેખાડતા પોલીસ સ્ટાફને લીલા તોરણે સભા ગૃહમાંથી બહાર નીકળી જવું પડયું હતું.
ધાર્મિક દબાણોને ટોકનદરે જમીન ફાળવવા માંગ મુકવાની હતી
કોંગ્રેસના સિનિયર સભ્ય ભરતભાઈ બુધેલિયાએ એવું જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં તેમનો વધારોનો એક જ મુદ્દો હતો. જેમાં એસ્ટેટ વિભાગે અનઅધિકૃત ૩૯૩ ધાર્મિક દબાણોને જે નોટિસ આપી છે, તે તમામને ટોકનદરે જમીન ફાળવવા અને રેગ્યુલરાઈઝ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
જનતા સાથે મોટો અન્યાય, રાજીનામું આપી દેવું જોઈએ
કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે, જનતાના કામ ન કરી તેમની સાથે મોટો અન્યાય કર્યો છે. આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં જનતા તેનો જવાબ આપશે. મેયરે પણ પદની ગરિમા નથી જાળવી. રાજીનામું આપી દેવું જોઈએ.
આનંદનગરની દુર્ઘટના દુર્ભાગ્ય નહીં, માનવ હત્યા, યુવકને ન્યાય આપો
કોંગ્રેસના નગરસેવક જયદીપસિંહ ગોહિલે આનંદનગરમાં હાઉસીંગ બોર્ડનું મકાન ધરાશાયી થતાં યુવાનનું મોત થયાની દુર્ઘટનાને દુર્ભાગ્ય નહીં માનવ હત્યા ગણાવી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનને ન્યાય અને આર્થિક સહાય આપવા માંગ કરી હતી. વધુમાં મેયરને જવાબ આપવો ન પડે તે માટે તેઓ રણછોડ રાય બનીને જતા રહ્યા હતા. શાસકો પોતાના માનીતાઓને ઉંચા હોદ્દા આપવા કૌભાંડ કરી રહ્યા છે. ૧૦ પાસ કર્મચારીને વર્ગ-૨માં ડે. કમિશનર બનાવવાના ખેલને પણ તેમણે ઉઘાડો પાડી બઢતી માટે શૈક્ષણિક લાયકાતના સુપ્રીમના જજમેન્ટને ટાંક્યું હતું.