Get The App

ગુજરાત સરકારમાં નવાજૂની એંધાણ! આ 3 મંત્રીઓના કપાઈ શકે છે પત્તાં

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
BJP ministers controversy


BJP High Command Prepares to Sack Tainted Leaders : ભાજપના શાસનમાં નેતા અને કાર્યકર્તા તો ઠીક ખુદ મંત્રી અને ધારાસભ્યો જ હોદ્દાનો દુરુપયોગ કરીને લાભ લેવામાં બાકાત રહ્યા નથી. રાજકીય વગના જોરે મંત્રીપુત્રોને તો જાણે મોકળું મેદાન મળી ગયું છે. સામાન્ય વ્યક્તિ ગુનો કરે તો કસૂરવાર અને મંત્રીપુત્રોને તો કોઈ કહેનારું જ નથી. એવામાં હવે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે કલંકિત મંત્રીઓની હકાલપટ્ટી કરવાનું મન બનાવી લીધું છે. 

કોનું નામ છે હીટલિસ્ટમાં? 

ગુજરાતમાં મનરેગા હોય કે પછી નકલી હથિયાર લાઈસન્સનું કૌભાંડ હોય. મંત્રીપુત્રોની સંડોવણી બહાર આવતા રાજ્ય સરકારના મંત્રીમંડળની પ્રતિષ્ઠા દાવ પર છે. એવામાં બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર હાઈકમાન્ડની હીટલિસ્ટમાં આવી ગયા છે. પક્ષ અને સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ રહી હોવાના કારણે આ મંત્રીઓના પત્તાં કપાઈ શકે છે. 

આ ઉપરાંત ધારાસભ્ય રમણ વોરા અને અનિરુદ્ધ દવે ખોટા દસ્તાવેજના આધારે ખેડૂત બની ગયા હોવાનો પણ આરોપ છે. જ્યારે દુષ્કર્મના કેસ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હજુ ફરાર છે. આમ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓની સાથે સાથે ધારાસભ્યો પણ દાગદાર બન્યા છે. આ જોતાં હવે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અમુક નેતાઓને ઘરનો રસ્તો દેખાડવાના મૂડમાં છે. 

બચુ ખાબડના પુત્રોએ મનરેગાને કમાણીની યોજના બનાવી લીધી 

દાહોદ જિલ્લો મંત્રી બચુ ખાબડનો મતવિસ્તાર રહ્યો છે જ્યાં ગરીબ આદિવાસીઓને મજૂરી આપવાના બદલે તેમના પુત્રોએ કાગળ પર માટીરિયલ સપ્લાય બતાવ્યું અને લાખો કરોડો રૂપિયા ભેગા કરી લીધા. ખાબડની રાજકીય વગના જોરે કૌભાંડ ચાલ્યું. જોકે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર કરનારાઓને છોડવામાં આવશે નહીં તેવી ડીંગો હાંકવામાં આવી. જોકે હજુ બચુ ખાબડને મંત્રીપદે યથાવત રાખ્યા છે. 

મંત્રી મુકેશ પટેલના પુત્રએ રૌફ જમાવવા માટે નકલી લાઈન્સના આધારે રિવોલ્વર લીધી

બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગણ લાઈસન્સનું રાજ્યવ્યાપી કૌભાંડ પન્ન બહાર આવ્યું છે. આ કૌભાંડમાં વન પર્યાવરણ મંત્રી મુકેશના પુત્ર વિશાલ પટેલે પણ નકલી લાઈસન્સ મેળવ્યું છે. આ કૌભાંડમાં 140 નામ ખૂલ્યા છે. આ લોકો મોટી રકમ આપીને મણિપુર અને નાગલેન્ડથી હથિયાર ખરીદતા. જોકે હજુ સુધી મંત્રીપુત્રને કોઈ આંચ આવી નથી. 

બીઝેડ કૌભાંડમાં ભીખુસિંહના પુત્રનું કનેક્શન

કરોડોનો બીઝેડ કૌભાંડનો રેલો સાબરકાંઠા-અરવલ્લીથી છેક ગાંધીનગર સુધી પહોંચ્યો. મુખ્ય સૂત્રધાર સાથે મંત્રીપુત્રની મિલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે મંત્રીના પુત્ર કરણસિંહ પરમારના નજીકના સંબંધો રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાએ ભારતીય જનતા પાર્ટીને પણ મોટું ફંડ આપ્યું હોવાનો આરોપ છે. આટલું જ નહીં કરણસિંહ પરમાર પર જાહેરમાં એક વ્યક્તિને ઢોર માર મારી દાદાગીરી કરવાનો પણ આરોપ છે. 

ધારાસભ્ય રમણ વોરા અને અનિરુદ્ધ દવે નકલી ખેડૂત બન્યા

ગાંધીનગર જિલ્લાના પાલેજ ગામમાં ભળતા નામોનો ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદી ઈડરના ધારાસભ્ય રમણ વોરા બોગસ દસ્તાવેજના આધારે ખેડૂત બની ગયા. અરજદારે છેક મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ભાજપના વધુ એક ધારાસભ્ય અનિરુદ્ધ દવે પણ ખોટી વારસાઈના આધારે ખેડૂત બન્યા હોવાનો આરોપ છે. 

દુષ્કર્મ કેસમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હજુ ફરાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર મહિલા સશક્તિકરણના નામે ગુલબાંગો પોકારવામાં આવે છે. જોકે ભાજપના જ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દુષ્કર્મ કેસમાં કેટલાય મહિનાઓથી ફરાર છે. હાઈકોર્ટના આદેશ છતાં પોલીસ હજુ સુધી આ ધારાસભ્યને પકડી શકી નથી. 

Tags :