ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદનું નિધન, કુશળ સંગઠક તરીકે લોકપ્રિય હતા
Pravin Nayak Passed Away: ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રવીણ નાયકનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી ભાજપ અને સમગ્ર અનાવિલ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પ્રવીણ નાયક એક અનુભવી રાજનેતા હતા જેમણે દાયકાઓ સુધી ભાજપ સંગઠનને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાજ્યસભાના સાંસદ તરીકે તેમણે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે તેમણે સંગઠનને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું હતું. સુરત મહા નગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કોર્પોરેટર તરીકે સેવા આપી સુરત શહેરને નવી ઊંચાઇએ પહોંચાડ્યું હતું.
તેઓ એક કુશળ સંગઠક તરીકે જાણીતા હતા અને કાર્યકરોમાં લોકપ્રિય હતા. અનાવિલ સમાજમાં પણ તેમનું મોટું પ્રદાન હતું અને તેઓ સમાજના શ્રેષ્ઠી તરીકે આદરણીય હતા.
તેમના નિધનથી રાજકીય, સામાજિક અને અનાવિલ સમાજમાં એક મોટી ખોટ પડી છે. પ્રવીણ નાયકના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને અંતિમ સંસ્કાર વિશેની જાણકારી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભાજપના અગ્રણી નેતાઓ, કાર્યકરો અને અનાવિલ સમાજના આગેવાનોએ પ્રવીણ નાયકના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.