પુત્રવધૂના કાકાની પહોંચથી ફફડાટમાં સાસરિયાંઃ લવ મેરેજ કરનાર ભત્રીજીને શોધવા ભાજપના નેતાના ધમપછાડા
ભત્રીજીના સાસરિયાં અને પતિના મિત્રો પર પોલીસનું દબાણ : ગુંડાઓ દ્વારા અપાતી ધમકી
નેતાની રાજકીય વગ, ગુંડાઓની ધમકી અને પોલીસ તપાસના ધમધમાટને પગલે યુવતીના સાસરિયાં ફફડાટમાં જીવી રહ્યા છે
અમદાવાદ: ભાજપના કદાવર નેતાએ લવમેરેજ કરનાર ભત્રીજીને શોધવા માટે ધમપછાડા કરી પોલીસ પર ભારે દબાણ સર્જયું છે. નેતાના રાજકીય દબાણને પગલે પોલીસ અધિકારીઓ પણ યુવતીને શોધવા માટે શામ,દામ અને દંડની નીતિ અપનાવી રહ્યા છે. યુવતી સાથે લવમેરેજ કરનાર યુવકના પરિવારજનો અને મિત્રોના ઘરે પહોંચી પોલીસ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. પરિવારજનોને પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછના બહાને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. બીજી તરફ નેતાના ગુંડાઓ દ્વારા પણ પરિવારજનોને ધાકધમકીઓ આપવામાં આવી રહી છે. નેતાની રાજકીય વગ, ગુંડાઓની ધમકી અને પોલીસ તપાસના ધમધમાટને પગલે યુવતીના સાસરિયાં ફફડાટમાં જીવી રહ્યા છે.
ભત્રીજીના સાસરિયાં અને પતિના મિત્રો પર પોલીસનું દબાણ
કોલેજમાં સાથે ભણતા યુવક-યુવતી વચ્ચે પ્રેમ થતા એક વર્ષ પહેલા બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા બાદ પોતાના માતા-પિતા સાથે રહેવા લાગ્યા હતા. દરમિયાન પગભર થયેલા યુવક-યુવતીએ ઘર છોડીને લગ્નજીનની શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને પગલે ૧૫ દિવસ પહેલા નિકોલમાં રહેતી યુવતી પિતાનું ઘર છોડીને પતિ સાથે નીકળી ગઈ હતી. બનાવની જાણ થતા પરિવારજનોએ પુત્રીની શોધખોળ શરૂ કરી દરમિયાન દીકરીએ લવમેરેજ કર્યાની જાણ પરિવારને થઈ હતી. પુત્રીને પરત લાવવા માટે યુવતીના પિતાએ ભાજપના ધારાસભ્ય એવા પોતાના પિતરાઈ ભાઈને સમગ્ર બાબતે જાણ કરી હતી.
વીડિયો બનાવીને પણ પોલીસ અધિકારીને મોકલ્યો
લવમેરેજ કરીને ભાગી ગયેલી ભત્રીજીને આર્શિવાદ આપવાની જગ્યાએ તેણે પરત લાવવા માટે નેતાએ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી પોલીસ પર પ્રેશર ટેકનિક અજમાવી હતી. પોલીસને ભત્રીજીને ગમે તેમ કરીને પરત લાવવા માટે આદેશ આપી દેવાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસનો કાફલો યુવકના ઘરે તેમજ તેના મિત્રોના ઘરે પહોંચી ગયા હતા. યુવકના માતા-પિતા સહિતના પરિવારજનોને પહેલા દિવસે ૨૪ કલાકથી વધુ સમય પોલીસે બેસાડી રાખ્યા અને બંને પ્રેમીઓને પરત લાવવા દબાણ કર્યું હતું. બીજી તરફ યુવકના મિત્રોને પણ પોલીસ સ્ટેશને બોલાવીને કલાકો સુધી બેસાડી રાખી હેરાન કરવાનું શરૂ કરાયું હતું.આ બાબતની જાણકારી મળતા યુવતીએ પોતે મરજીથી યુવક સાથે ગયાનું અને લવમેરેજ કર્યાની જાણ પોલીસ અધિકારીને ફોનથી કરી હતી. આ બાબતે યુવતીએ વીડિયો બનાવીને પણ પોલીસ અધિકારીને મોકલ્યો હતો.
યુવકનો પરિવાર ફફડાટમાં આવી ગયો
યુવતીએ તેના સાસરિયાંને હેરાન ના કરવા માટે પોલીસને આજીજી કરી હતી. બીજી તરફ ભત્રીજીને કોઈપણ સંજોગોમાં પરત લાવવા માંગતા નેતાએ ગુંડાઓ થકી યુવકના પરિવારને ધાકધમકી આપવાનું શરૂ કર્યું હતું. નેતાની રાજકીય વગ અને સંપર્કોથી યુવકનો પરિવાર ફફડાટમાં આવી ગયો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ નેતા દ્વારા કરવામાં આવતા ખોટા દબાણને લઈને હેરાન હોવાની ચર્ચા શરૂ થઈ છે. એક વર્ષ પહેલા લવ મેરેજ કરનાર ભત્રીજીના લગ્નને સ્વીકારવા નેતા કે તેનો પરિવાર કોઈપણ સંજોગોમાં તૈયાર નથી બીજી તરફ ફફડાટમાં જીવતા યુવક-યુવતી પણ પોતાના સાથે છોડવા તૈયાર ન હોવાથી આ મામલે બંને બાજુ પેચ ફસાયો છે.
નેતાની ભત્રીજી સાથે લગ્ન કરનાર યુવક પણ એબીવીપીનો સભ્ય
ભાજપમાં કદાવર ગણાતા નેતાની ભત્રીજી સાથે લગ્ન કરનાર યુવક પણ એબીવીપીનો સભ્ય અને પૂર્વ સેનેટ મેમ્બર રહી ચુક્યાની વિગતો મળી છે. કોલેજમાં નેતાની ભત્રીજી સાથે પ્રેમ થતા યુવકે તેની સાથે લવમેરેજ કર્યા હતા.યુવક એબીવીપીનો સભ્ય હોવા છતાં પણ નેતાના ડરથી તેની પડખે ઉભા રહેવા હાલ કોઈ તૈયાર નથી.