Get The App

વલસાડમાં કલેક્ટર-સાંસદ સામે ભાજપના નેતાઓ રસ્તે... ખાડા વચ્ચે બેસી કર્યા દેખાવ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
વલસાડમાં કલેક્ટર-સાંસદ સામે ભાજપના નેતાઓ રસ્તે... ખાડા વચ્ચે બેસી કર્યા દેખાવ 1 - image


BJP Leader Protest in Valsad: વલસાડના કલેકટર અને સાંસદનું હાઇવે ઓથોરિટી સામે કંઇ ઉપજતું નથી તેવું સ્વીકારી ભાજપના જ વલસાડ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ અને કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખે નેશનલ હાઇવે નં.848 પરના અસંખ્ય ખાડાઓથી ત્રસ્ત બની ખાડાઓ વચ્ચે બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે કલેક્ટરની 10 દિવસમાં ખાડાઓ પૂરવાની કહેવાતી સૂચનાની પોલ ખુલી ગઈ છે.  

કલેક્ટરની 10 દિવસમાં ખાડા પુરવાની સૂચનાની પોલ ખુલી 

વલસાડ જિલ્લામાંથી પસાર થતાં ત્રણેય હાઈવેના રસ્તાઓ પર એટલાં બધાં ખાડાઓ પડી ગયાં છે કે લોકો સોશિયલ મીડિયામાં ખાડાઓની જગ્યાએ રસ્તો ક્યાં છે તે શોધવાનું જણાવી ભાજપી સાંસદ, ધારાસભ્યો અને નેતાઓની ઠેકડી ઉડાવી રહ્યા છે. દરમિયાન વલસાડ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ મનહરભાઈ પટેલ આજે મંગળવારે કપરાડા ગયા હતા પણ રસ્તામાં એટલા બધા મોટા ખાડાઓ હતા કે તેમાંથી મોટી ગાડીને પણ પસાર થવામાં તકલીફ પડી હતી. 

કપરાડા ખાતે હાજર તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલા અને ભાજપી કાર્યકરોએ રસ્તા બાબતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેથી જિ.પં.પ્રમુખ મનહરભાઈ પટેલે મોટાં ઉપાડે હાઇવે ઓથોરિટીના મહિલા ઓએસને ફોન લગાવ્યો હતો પરંતુ સામેથી એકદમ ઉડાઉ જવાબ મળતાં તેમનો પિત્તો ગયો હતો અને ઉપસ્થિત તમામ ભાજપ કાર્યકરો સાથે હાઈવે ઉપર રસ્તા વચ્ચે ખાડાઓમાં જ બેસી જઈ વિરોધ નોધાવ્યો હતો. 

નેતાઓએ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ચૌધરીની નિષ્ફળતા સ્વીકારી

અગાઉ  કલેક્ટર ભવ્ય વર્માએ હાઇવે ઓથોરિટીને નોટિસ આપી 10 દિવસમાં હાઈવેના તમામ રસ્તાનાં ખાડાઓ પુરાવાની સુચના આપી હતી. હવે 10નાં બમણાં દિવસો થવા છતાં રસ્તાઓની હાલત પહેલાં કરતાં વધારે બદતર થઇ છે ત્યારે હવે ભાજપનાં જ જિ.પં.ના પ્રમુખ અને કપરાડા તા.પં.ના પ્રમુખે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય જીતુ ચૌધરીની નિષ્ફળતા સ્વીકારી તેમની જ ભાજપ સરકાર સામે હાઈવે પર ખાડાઓ વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કરતાં ભાજપ સરકારની એક વધુ નિષ્ફળતા સામે આવી છે.

અધિકારીઓ કોઇનું સાંભળતા નથી : જિ.પં.પ્રમુખ મનહર પટેલ

વલસાડ જિ.પં.પ્રમુખ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય જીતુ ચૌધરીએ સંકલનમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને ખાડાઓ પૂરી રસ્તાઓ વ્યવસ્થિત કરવાં સૂચનાઓ આપી હતી તેમ છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી, હાઇવે ઓથોરિટીનાઅધિકારીઓ કોઈનું સાંભળતા જ નથી. 

હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ફોન ઉંચકતા નથી : હીરાબેન મહાલા

કપરાડા તા.પં. પ્રમુખ હીરાબેન પી મહાલાએ ભારે રોષપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી હાઈવે પર અસંખ્ય ખાડાઓ પડી જતાં હાલત ખરાબ થઇ છે. આ અંગે વારંવાર રજુઆતો છતાં મરામત થઈ નથી. ઘણાં અકસ્માતો થઈ રહ્યાં છે અને નિર્દોષ લોકોના જાન જાય છે, હાઈવે ઓથોરિટીના અધિકારીને ફોન કરે છે તો તેઓ ફોન પણ ઉચકતા નથી. 

Tags :