વડોદરા જિ.પંચાયતની જૂની અલવા પ્રાથમિક સ્કૂલ પર ભાજપના આગેવાને કબજો જમાવ્યો
વડોદરાઃ વાઘોડિયા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકની એક સ્કૂલના કબજાનો વિવાદ આજે સામાન્ય સભામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
વાઘોડિયાના અલવા ગામે એક ખાનગી કંપનીએ નવી સ્કૂલ બનાવી આપતાં જૂની ચાર ઓરડાની સ્કૂલ તેમાં શિફ્ટ થઇ છે.આ સાથે જ પાછળ રહેતા જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી પ્રભાતસિંહ પરમાર અને તેમના બે ભાઇઓએ બિનઅધિકૃત રીતે તેનો ઉપયોગ કરી કબજો કરી લેતાં વિવાદ થયો હતો.
આ અંગે વર્ષ-૨૦૧૮માં આયાર્ય દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત પણ કરવામાં આવી હતી.જેમણે કબજો કર્યો છે તેમના વડિલોએ સ્કૂલને જગ્યા દાન કરી હતી.પરંતુ તેની સામે તેમને ગામલોકો દ્વારા જમીન પણ આપવામાં આવી વિગતો જાણવા મળી છે.આજે કોંગી સભ્યોએ રજૂઆત કરતાં પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટિસ આપી છે તેમ કહ્યું હતું.જ્યારે વાઘોડિયામાં રહેતા કારોબારી ચેરમેન નિલેશ પુરાણીએ સ્કૂલનો કબજો લઇ લીધો છે તેવો ખોટો જવાબ આપી સભાને ગેરમાર્ગે દોરી હતી.જેથી વિપક્ષે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કેમ ના કરી તેવો પણ સવાલ કર્યો હતો.