બગસરા નગરપાલિકા સામે ભાજપના જ નેતા મેદાને, ભ્રષ્ટાચારનો આરોપ લગાવી આંદોલનની ચીમકી
Bagsara News: બગસરા નગરપાલિકામાં ભાજપના શાસન હોવા છતાં, ભાજપના જ નેતા ચિરાગ પરમારે નગરપાલિકાના વહીવટ સામે બાયો ચડાવી છે. તેમણે શહેરના ગોંડલીયા ચોકથી શિવાજી ચોક સુધીના 20 દિવસ પહેલા બનેલા સી.સી.રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે.
ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનો આરોપ
ચિરાગ પરમારનો આરોપ છે કે, નગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતથી રોડનું કામ નબળી ગુણવત્તાનું કરવામાં આવ્યું છે. જેના પરિણામે, રોડનું લેવલ યોગ્ય ન હોવાથી ગંદકીનું પાણી ભરાઈ રહે છે અને વેપારીઓ તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોડ પર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણીનો ભરાવો થાય છે.
આંદોલન અને તાળાબંધીની ચીમકી
ચિરાગ પરમારે નગરપાલિકાને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તાત્કાલિક ધોરણે રોડનું લેવલ સુધારી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. તેમણે 'રોકો આંદોલન'ની ચીમકી ઉચ્ચારી છે અને નગરપાલિકાને તાળાબંધી કરવાની ધમકી પણ આપી છે.
વેપારીઓએ વ્યક્ત કરી વેદના
સ્થાનિક વેપારીઓએ પણ રોડની ખરાબ હાલત અંગે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી અને આ મામલે વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી છે. આ ઘટનાએ ભાજપના આંતરિક વિખવાદને સપાટી પર લાવી દીધો છે.