Gujarat

ટ્રાફિક કોન્સ્ટેબલ નિયમોનું પાલન ન કરતા હોવાની ભાજપના નેતાની પોસ્ટથી વિવાદ

By GS TEAM
5 Oct 20252 mins read
ટ્રાફિક કોન્સ્ટેબલ નિયમોનું પાલન ન કરતા હોવાની ભાજપના નેતાની પોસ્ટથી વિવાદ

- સુરેન્દ્રનગરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન 

- ટ્રાફિક કોન્સ્ટેબલ નંબર પ્લેટ વગરના વાહન સાથે ફરતાનો ફોટો વાય રલ થતાં વિવાદ બાદ પોસ્ટ ડિલીટ કરાઇ 

 સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ભાજપના એક નેતાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને કારણે રાજકારણ અને પોલીસ વિભાગ આમને-સામને આવી ગયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. વઢવાણ વિસ્તારમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી ભાજપના નેતાએ તેમની તસવીર સાથે આ પોસ્ટ મૂકી હતી, જેનાથી મામલો એકાએક ગરમાયો હતો

આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણના રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ટ્રાફિક કોન્સ્ટેબલ પર આકરા પ્રહારો કર્યા હતા. પોસ્ટમાં કોન્સ્ટેબલ નંબર પ્લેટ વગરનું બાઇક ચલાવીને ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે તેમણે કોન્સ્ટેબલની તસવીર પણ જોડી હતી, જેણે આ વિવાદને વધુ હવા આપી છે. ભાજપ નેતાએ સવાલ ઉઠાવ્યો છે કે, જે પોલીસ કર્મચારી પોતે કાયદાનું પાલન કરાવવાની ફરજ બજાવે છે, જો તે જ નિયમો તોડે તો તેને માટે કોઈ વ્યવસ્થા કે નિયમ લાગુ પડતા નથી? તેમણે પોસ્ટમાં કોન્સ્ટેબલ પર સ્થાનિક વેપારીઓને ગાળાગાળી કરવાનો અને હેરાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાયરલ થતાં રાજકીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. ભાજપના જ નેતા દ્વારા પોલીસની કાર્યપ્રણાલી પર સીધા સવાલો ઉઠાવતા હવે પોલીસ વિભાગ આ અંગે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે. એક તરફ નિયમનું પાલન કરાવનાર જ નિયમ તોડે અને બીજી તરફ રાજકીય નેતા દ્વારા જાહેરમાં આ મામલો ઉઠાવાતા વિવાદ વકર્યો છે જોકે મોડેમોડે આ પોસ્ટ ડીલેટ કરાઇ હતી.