ભાયાવદરમાં વિપક્ષના નેતા ઉપર ભાજપ અગ્રણી- મળતિયાનો હુમલો
- ચાર દિવસ પહેલા ફટાકડા ફોડવા બાબતે મેસેજના પ્રત્યુત્તર અંગે ખાર રાખી
- 25થી 30ના ટોળાએ હાથાપાઈ કરતાં વિપક્ષ નેતા દોડીને નાસ્યા, અન્ય લોકોએ બચાવવા દુકાનમાં પૂરી દીધા તો શટર ઉપાડીને હૂમલો કર્યો
- રાતના બનાવ બાદ આજુબાજુની દુકાનોનાં શટરો પડી ગયા, લોકોમાં નાસભાગ મચી ગઈ
- પાટીદાર સમાજભવનમાં એકત્ર થયેલા વેપારીઓએ ભાયાવદર બપોર સુધી બંધનું એલાન જાહેર કર્યુુ
ભાયાવદર: ભાયાવદરમાં ફટાકડા ફોડવાની બાબતમાં સોશ્યલ મીડિયામાં આવેલા મેસેજના પ્રત્યુતરનો ખાર રાખી ગત રાત્રે બસ સ્ટેન્ડની સામે પાનની દુકાન પાસે મિત્રો સાથે બેઠેલા નગરપાલિકા વિરોધપક્ષના નેતા ઉપર ભાજપના આગેવાન અને તેમના મળતીયાઓએ હાથાપાઈ હુમલો કરતા અફડાતફડી મચી ગઈ હતી તેમજ આજુબાજુની દુકાનોના ટપોટપ શટરો પડી ગયા હતા. આ બનાવમાં બન્ને જુથે સામસામે ફરિયાદ નોધાવી છે. એક તકે આ નેતા જીવ બચાવવા દોડતા અન્ય લોકોએ તેની વહારે ચડી એક દુકાનમાં પૂરી દઈ શટર પાડી દીધું હતું. આમ છતા ટોળાએ પહોંચી શટર ઉંચકી ફરી પકડી પાડી માર માર્યો હતો, જેમાં વિપક્ષ નેતાના દાંત પડી ગયા હતા અને ડાબા કાનમાં ઈજા થઈ હતી. બનાવના પગલે પાટીદાર સમાજ ભવન ખાતે વેપારીઓ મોટી સખ્યામાં એકત્ર થઈ ગયા હતા, જેમાં બુધવારે બપોર સુધી ભાયાવદર બંધનું એલાન જાહેર કરાયું છે.
ભાયાવદરના મયુરનગરમાં રહેતા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા નયનભાઈ જયંતિભાઇ જીવાણીએ ફરિયાદમાં જણાવ્યુ છે કે તા.૯ના રોજ તેનો પુત્ર અમન તથા તેનો મિત્ર યોગેશ વિરોજા બંને તેના અન્ય મિત્રના લગ્નમાં પટેલ સમાજ પાસે ફટાકડા ફોડવા બાબતે જાહેરનામાનો ભંગનો ગુનો કર્યો હોવાથી તેમની સામે પોલીસ કાર્યવાહી થયેલ હતી જેથી આ લોકો નગરપાલિકા વિરોધપક્ષના નેતા વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કર્યો હતો. જેથી આ બાબતે તેણે પ્રત્યુતર મેસેજ દ્વારા 'સાચી હકીકત જાણો' તેવો જવાબ આપ્યો હતો. આ બાબતના મેસેજનો આ શખ્સોએ વિપક્ષ નેતા ઉપર ખાર રાખીને ગત તા.૧૨ના રાત્રિના સવા દસેક વાગ્યાની આસપાસ તે અને સંજયભાઈ પરમાર એસબીઆઈ બેંકની નીચે આવેલ પાનની દુકાને બાકડા ઉપર બેઠા હતા તે દરમ્યાન આશરે ૨૫થી ૩૦ જણાનું ટોળુ આવેલ હતું. જેમાંજિલ્લા ભાજપના આગેવાન ઇન્દ્રવિજયસિંહ ગુલાબસિંહ ચુડાસમા તથા તેના ભાઈ ઉપેન્દ્રસિંહ ગુલાબસિંહ ચુડાસમા તથા ભીખુભા બાબભા ચુડાસમા તેમજ તેની સાથે આવેલ મળતિયાઓનું ટોળું ગાળો દઈને વિપક્ષ નેતા કાંઈ બોલે તે પહેલાં આ શખ્સો ઢીકાપાટુનો માર મારી ઝાપટો મારી હાથાપાઈ કરી હતી. એ ઉપરાંત ે જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. બનાવ વખતે ત્યાં અન્ય માણસો ભેગા થઈ જતા જેમાં સંજયભાઈ, સુરેશભાઈ માકડીયા તથા કારાભાઈ સામાણી વચ્ચે પડીને પાનની દુકાનમાં વિપક્ષ નેતાને અંદર પુરી દઈ શટર પાડી દીધેલ હતુ. તેમ છતાં આ શખ્સોએ આક્રમક બની શટર ઊંચું કરી વિપક્ષ નેતાને દુકાનની અંદર ઢીકાપાટુનો માર મારેલ હતો. ત્યારબાદ મારનો ભોગ બનેલા વિપક્ષ નેતાએ પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસ સ્ટાફે ત્યાં આવી તેમને દુકાનની બહાર કાઢેલ હતા. આ વખતે ે આ શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા .ત્યારબાદ તેમને પોલીસસ્ટાફ પોલીસ સ્ટેશન લઈ આવેલ હતો. આ હુમલામા દાંત પડી ગયેલ હતા અને ડાબા કાનના ભાગે ઇજા પહોંચી હતી તેમજ તેણે પહેરેલ સોનાનો ચેઇન ઝપાઝપીમાં ક્યાંક પડી ગયો હતો.
સામા પક્ષે પણ ચાર શખસો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી
સામા પક્ષે પણ ૪ શખ્સો વિરૂધ્ધ શહેર ભાજપ મહામંત્રી હાદક નરેન્દ્રભાઈ રાવલ ેફરિયાદ કરી છે કેે ે મેસેજનો જવાબ સોશિયલ મીડિયામાં આપેલ જે બાબતે નગરપાલિકા વિરોધપક્ષના નેતા નયનભાઈ જીવાણીને સારું નહીં લાગતા મને જેમ ફાવે તેમ ગાળો આપી ઝાપટ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તથા મારા સાહેદ મનહરસિંહ મંગુભા ચુડાસમા છોડાવવા વચ્ચે પડતા તેમને પણ હાથમાં બટકું ભરી લીધું હતું અને તેમની સાથે રહેલા ગણેશ પ્રોવીઝન વાળા, ગણેશભાઈના બે ભાઈઓ સુરેશભાઈ અને અતુલભાઈએ મને ગાળો આપીને એકબીજાની મદદગારી કરેલ હતી. આથી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.