નવસારીમાં ભાજપ નેતાની જાહેર માર્ગ પર ‘ફિલ્મી સ્ટાઈલ’માં જન્મદિવસની ઉજવણી: વીડિયો વાયરલ થતાં વિવાદ

BJP Leader Birthday Celebration on Road in Navsari: નવસારીના વિજલપોર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે સોનુએ જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરતા વિવાદ સર્જાયો છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે સોનુએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર માર્ગની વચ્ચોવચ ફિલ્મી સ્ટાઇલમાં કારમાંથી એન્ટ્રી લીધી હતી. તેમના સમર્થકોની હાજરીમાં તેમણે કેક કટિંગ કર્યું હતું અને આતશબાજી પણ કરી હતી. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા હોવાની ચર્ચા શહેરીજનોમાં છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે, 'ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અનેકવાર અસામાજિક તત્ત્વો દ્વારા જાહેરમાં રોડ પર કેક કાપવી અને ફટાકડાં ફોડીને તાયફા કરતા વીડિયો સામે આવતા હોય છે. જોકે, ત્યારે રાજ્યની પોલીસ દ્વારા આવા તત્ત્વોને ઝડપી પાડવામાં આવે છે અને બિફોર, આફ્ટરના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી આરોપી પાસે માફી પણ મંગાવવામાં આવે છે. પરંતુ, હવે બર્થડે સેલિબ્રેશનમાં કરવામાં આવતા આ તાયફાઓનો વાયરસ ભાજપના નેતાઓને પણ લાગી ગયો છે. તાજેતરમાં સુરતમાં ભાજપના એક નેતા દ્વારા આ જ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરી જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લિંબાયત વિસ્તારના ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત દ્વારા પોતાના જન્મ દિવસની જાહેરમાં ઉજવણી કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો હતો.