Gujarat

ભાજપના નેતાએ અનધિકૃત બાંધકામને બચાવવા 3 લાખ માંગ્યા : વીડિયો વાયરલ

By GS TEAM
13 Mar 20262 mins read
ભાજપના નેતાએ અનધિકૃત બાંધકામને બચાવવા 3 લાખ માંગ્યા : વીડિયો વાયરલ

રાજકોટમાં જમીન ધંધાર્થી નેતાઓને લીધે ભ્રષ્ટાચારની વહેતી ગટર  : વાતચીતનું સ્થળ સર્કિટહાઉસ! : અન્ય વીડિયોમાં 60,000માં પૂરૂ કરવાનું કહેવાતા નેતા સવા લાખનું કહી રવાના થાય છે

રાજકોટ, : રાજકોટમાં ભાજપના મોટાભાગના જમીન મકાનના ધંધાર્થી નેતાઓના હાથમાં સત્તા રહી છે અને અગાઉ કોર્પોરેટરે અનધિકૃત બાંધકામો માટે પ્રોટેક્શન મની ઉઘરાવ્યાના અને તાજેતરમા નિવૃત થયેલા ખુદ મેયર અને સ્ટે.ચેરમેનના બાંધકામ સામે વિપક્ષી ફરિયાદ થઈ છે ત્યારે આજે ભાજપના નેતા અને પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ અનધિકૃત બાંધકામ અંગે પોતે મનપામાં કરેલી અરજી પરત ખેંચી લેવા માટે રૂ।.૩ લાખ માંગતા હોવાનો વિડીયો વાયરલ કરાતા ચકચાર જાગી છે. 

વ્યાપક રીતે વાયરલ થયેલા આ વિડીયોમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા સર્કિટહાઉસમાં જાય છે ,ત્યાં મુખ્ય ખંડમાં તે એક વ્યક્તિ સાથે અનધિકૃત બાંધકામ અંગે વાતચીત કરે છે તેમાં અરજદાર તમે અરજી પાછી ખેંચી લો તો બધુ પતી જાય તેમ કહેતા 'વહીવટ'ની રકમ અંગે પુછે છે, આ નેતા પોતે વોર્ડ નં.૪માં ચૂંટણી લડવાના છે તેમ પણ કહે છે, વાતચીતના અંતે મનપામાં ગેરકાયદે બાંધકામ તોડવા કરેલી અરજી પરત ખેંચી લેવા રૂ।.૩ લાખની માંગણી કરીને જતા જતા તેમાં વાજબી કરી આપવાનું પણ કહે છે. તો બીજા એક વિડીયોમાં હોન્ડા પર આવેલા આ નેતાને અરજદાર (જેનો માત્ર અવાજ સંભળાય છે) મારૂકામ કરી દોનેં, મજુરોને હેરાનગતિ છે તેવી વિનંતી મકવાણાને કરે છે અનેે અરજદાર ૧૦ વધાર, ૬૦ હજારમાં હવે તમે પૂરૂકરી દો તેમ કહેતા ના ના...કહીને આ નેતા સવા લાખ હોય તો કહેજે તેમ કહીને રવાના થાય છે. 

આવી ફરિયાદો અગાઉ પણ અનેકવાર ઉઠી છે પણ મનપા દ્વારા કે ભાજપ દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા નથી. જો આ વિડીયોને વાત ધ્યાને લઈએ તો મનપામાં કોઈ પણ વ્યક્તિનું અનધિકૃત બાંધકામ અરજી કરીને અટકાવીને પછી લાખો રૂ।. પડાવી લઈને અરજી પાછી ખેંચી ગે.કા.બાંધકામ રહેવા દેવાતું હોય તેમાં ટી.પી.ના અધિકારીઓ અને અન્ય નેતાઓ પણ સામેલ હોય શકે છે. કોર્પોરેટરે આક્ષેપો સ્વીકાર્યા નથી,ભાજપ કે મનપા દ્વારા કોઈ પગલા લેવાયાનું હજુ સુધી જાહેર કર્યું નથી.