Gujarat

અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાના વતન ગણાતા ચલાલામાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભંગાણ સર્જાયું છે. પાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ સભ્યોના ભારે વિરોધ અને અસંતોષ બાદ અંતે કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું

Amreli News: અમરેલી જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાના વતન ગણાતા ચલાલામાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભંગાણ સર્જાયું છે. પાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ સભ્યોના ભારે વિરોધ અને અસંતોષ બાદ અંતે કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

24-0નું શાસન છતાં આંતરિક વિખવાદ

મળતી માહિતી અનુસાર, ચલાલા નગરપાલિકામાં ભાજપનું એકહથ્થુ શાસન હતું. પાલિકાની તમામ 24 બેઠકો ભાજપ પાસે હોવા છતાં, પ્રમુખ અને સભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. સભ્યોનો આરોપ હતો કે પ્રમુખ દ્વારા મનસ્વી રીતે કામગીરી કરવામાં આવતી હતી, જેના કારણે વિકાસના કામો અટવાયા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં બ્રિજ બનતા પહેલા જ સ્લેબ બેસી ગયો, 150 ફૂટ રિંગ રોડ પર સદનસીબે જાનહાનિ ટળી

અવિશ્વાસની દરખાસ્ત બાદ રાજીનામું

અંદાજે એક મહિના પહેલા જ પાલિકાના સભ્યો દ્વારા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પક્ષમાં ભંગાણ રોકવાના પ્રયાસો નિષ્ફળ રહેતા, આખરે નયનાબેને પદ પરથી હટી જવાનું પસંદ કર્યું છે. જો કે, તેમણે રાજીનામામાં 'કૌટુંબિક કારણો' દર્શાવ્યા છે.

કલેક્ટર દ્વારા રાજીનામું મંજૂર

અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા પાલિકા પ્રમુખનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. કલેક્ટરે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, 22મી ડિસેમ્બર 2025થી ચલાલા નગરપાલિકાના પ્રમુખનું પદ ખાલી પડ્યું છે. આગામી સમયમાં નવા પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ધારાસભ્ય જે.વી. કાકડિયાના વતનમાં જ ભંગાણ

આ ઘટના ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડિયા માટે મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે ચલાલા તેમનું વતન છે અને ત્યાં તેમની મજબૂત પકડ હોવાનું મનાય છે. ઘરઆંગણે જ સર્જાયેલી આ જૂથબંધીએ આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલા ભાજપના સંગઠન સામે અનેક સવાલો ઊભા કર્યાં છે.