સુરત દુષ્કર્મના કેસમાં ભાજપ વોર્ડ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય સહિત બેની ધરપકડ, પક્ષમાંથી પણ સસ્પેન્ડ
Surat Jahangirpura News : સુરતના જહાંગીરપુરાથી એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌવર સિંહે સાથે મળીને એક 23 વર્ષીય યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના બની છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર યુવતીને માદક પદાર્થ પીવડાવીને ભાજપનો મહામંત્રી આદિત્ય હોટેલમાં લઈ ગયો હતો જ્યાં તેનો મિત્રો ગૌરવ પહેલાથી હાજર હતો. બંનેએ સાથે મળીને આ કુકર્મને અંજામ આપ્યો હતો.
સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા બાદ આ બંને જણા પીડિતાને તેના ઘરની નજીક છોડીને ભાગી ગયા હતા. જ્યારે પીડિત ભાનમાં આવી ત્યારે તેણે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ ભાજપે પણ કાર્યવાહી કરતાં આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીના મહામંત્રી પદેથી તાત્કાલિક હાંકી કાઢ્યો હતો.