Surat Corporation : સુરત શહેર ભાજપમાં ચાલતી જુથબંધી પાલિકાની ચૂંટણી પહેલા ધીમે ધીમે બહાર આવી રહી છે. વર્ષ 2025 ની છેલ્લી સામાન્ય સભામાં ભાજપના દંડકે રાંદેર વિસ્તારમાં ગાર્ડન અને તેમાં કસરતના સાધનો છે તે ઘણાં સારા છે અને ઘણાં લોકો ઉપયોગ કરી રહ્યાં છે તેના વખાણ કર્યા હતા. જોકે, દંડકે વખાણ કર્યાના 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં આ વિસ્તારના પુર્વ કોર્પોરેટરે રાંદેર ઝોનમાં જ એક ગાર્ડનમાં કસરતના સાધનો તૂટેલા છે તેને રીપેર કરવા ફોટા સાથે રાંદેર ઝોનને ફરિયાદ કરી છે. દંડક ના વખાણ અને પુર્વ કોર્પોરેટરની ફરિયાદના કારણે ભાજપમાં જુથબંધી ખુલીને બહાર આવી હોવાની ચર્ચા થઈ રહી છે.
સુરત પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના દંડક ધર્મેશ વાણીયાવાલાએ ઝીરો અવરની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, રાંદેર ઝોન વિસ્તારમાં 38 ગાર્ડન અને 28 શાંતિકુંજ તથા 6 લેક ગાર્ડન છે. આ ગાર્ડન ઘણાં સારા છે અને તેમાં કસરતના સાધનો પણ ઘણી સારી હાલતમાં છે તેમાં ઘણાં લોકો ઉપયોગ કરી રહ્યાં છે તેવી વાત કરી હતી. જોકે, આ ફરિયાદના 24 કલાક પણ થયા ન હતા ત્યાં આ વિસ્તારના માજી કોર્પોરેટર ઉષા પટેલે રાંદેર ઝોનના ઝોનલ ચીફ ને ફરિયાદ કરી છે જેમાં અડાજણ વિસ્તારમાં કવિ કલાપી ગાર્ડનમાં કસરતના સાધનો તુટેલા છે અને તેના કારણે અકસ્માત થાય તેવી ભીતિ છે અને આ સાધનોની તુટેલી હાલતમાં છે તેની તપાસ કરવાની માંગણી કરી છે.
પાલિકાની સામાન્ય સભામાં દંડક રાંદેર ઝોનમાં ગાર્ડન અને કસરતના સાધનોના ભારોભાર વખાણ કરે છે અને બીજી તરફ પુર્વ કોર્પોરેટર ગાર્ડનમાં તુટેલા સાધનોના ફોટા સાથે ફરિયાદ કરે છે આમ ભાજપના કોર્પોરેટરો- માજી કોર્પોરેટરો અને કાર્યકરોમાં જુથબંધી ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


