ભાજપમાં લેટરવૉર: સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને, સરકાર-પક્ષ મૌન
Letter War in BJP: ગુજરાતમાં અંદરખાને રાજકીય સ્થિતિ સખળડખળ રહી છે. સરકારની નિષ્ક્રિયતાને લીધે પ્રજાના કામો થતાં નથી જેના કારણે ખુદ ભાજપના ધારાસભ્યો જ બરોબરના અકળાયાં છે. આ જોતા શાસકપક્ષના ધારાસભ્યોએ રજૂઆતના નામે પત્ર લખીને સરકારની આબરૂ ધૂળધાણી કરવા માંડી છે. લેટરવોર બરાબર જામ્યો છે ત્યારે સ્થિતિ એટલી હદે નાજુક છે કે, ધારાસભ્યોના બેબાક બોલ સામે આજે સરકાર કે પક્ષ એક હરફ ઉચ્ચારી શકે તેમ નથી. શિસ્તબદ્ધ પક્ષ ભાજપના ધારાસભ્યો જે રીતે બેલગામ થયાં છે તે જોતાં ખુદ ભાજપની પ્રદેશ નેતાગીરીની પણ ચિંતા વધી છે કેમ કે, ધારાસભ્યો હવે પક્ષની 'ધારા'માં રહ્યાં નથી.
ધારાસભ્યો બેબાક બોલ સાથે સરકાર વિરોધી નિવેદન
ભાજપ અને સરકાર વચ્ચે સમન્વય રહ્યો નથી તેવુ ચિત્ર ઉપસ્યુ છે કારણ કે, ધારાસભ્યો બેબાક બોલ સાથે સરકાર વિરોધી નિવેદન કે રજૂઆત કરી રહ્યાં છે, છતાંય કોઈ બોલનાર નથી. એકાદ બે નહીં, અત્યાર સુધ સુધીમાં કેટલાંય ધારાસભ્યો સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરતાં પત્ર લખી ચૂક્યાં છે, પરિણામે સરકારની આબરૂ ધૂળધાણી થઈ છે
•કુમાર કાનાણી: સુરતમાં ખાડી પુરની સમસ્યાની ઉકેલ નહીં આવે તો નાછૂટકે આંદોલનમાં જોડાવવુ પડશે.
•સંજય કોરડિયા: કોઈ અધિકારી કામ માટે રૂપિયા માંગે તો મારી પાસે આવજો.
•યોગેશ પટેલ: જિલ્લા કલેક્ટર કચેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, સરકારનું નિયંત્રણ જ નથી.
•કેતન ઈનામદાર: વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસ્યાં છે, છતાં તંત્ર તમાશો જુએ છે.
•અમુલ ભટ્ટ: ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે.
•ડી.કે. સ્વામી: સ્થાનિક હોસ્પિટલમાં દર્દીઓને ગુણવત્તાસભર સારવાર જ મળતી નથી.
•જે.વી.કાકડિયા: વન વિભાગની નિષ્ક્રિયતાને લીધે બાળસિંહોના મૃત્યુ થયાં.
•હિરા સોલંકી: સિંહના મૃત્યુ માટે વન વિભાગના અધિકારી જ જવાબદાર છે
•મનુભાઈ પટેલ: ગરીબ કારીગરો પાસે લૂંટારા દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે ત્યારે તંત્ર ચૂપ છે.
•અભેસિહ તડવી: સરકારી હોસ્પિટલોમાં એક્સ રે મશીનો ધૂળ ખાય છે, આરોગ્ય વિભાગ ડીંગો હાંકે છે.
•હાર્દિક પટેલ: જો ગટરની સમસ્યાનો હલ નહીં આવે તો મારે નાછૂટકે આંદોલનમાં જોડાવવું પડશે.
•અરવિંદ લાડાણી: માણાવદરમાં હરતી ફરતી કલબ ધમધમે છે, પોલીસનો મહિને 70 હજાર રૂપિયાનો હપ્તો
•જનક તળાવિયા: દામનગર પોલીસ સ્ટેશનથી 200 મિટર જુગારધામ છતાંય પોલીસ કઈ કરતી નથી.
મંત્રી-ધારાસભ્યોને સરકાર-પક્ષની સાડાબારી નથી
ધારાસભ્યો જ નહી, મંત્રીઓને પણ સરકાર કે પક્ષની સાડાબારી રહી નથી. મંત્રી-ધારાસભ્યો જ ભાજપ પક્ષનું સન્માન જાળવવા તૈયાર નથી. જેમ કે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એવું જાહેરમાં કહ્યું કે, 'કાઢી મેલે તો, કાઢી મેલે'
•અરુણસિંહ રાણા: ભાજપે ભલે સસ્પેન્ડ કર્યાં, મને કોઈ ફરક પડતો નથી
•જવાહર ચાવડા: કમળ સ્ટીકર ફાડી કહ્યું કે, ભાજપનો જિલ્લા પ્રમુખ વસૂલીખોર અને હપ્તાખોર છે
•કનુ ડાભી: ભાજપમાં પક્ષપલટુઓનું જ માન, પક્ષના કાર્યકરોની અવગણના
કમલમમાં આદેશને ધારાસભ્યો જાણે ધોળીને પી ગયાં
માત્ર ધારાસભ્યો જ નહી, ભાજપના સાંસદોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે જેમકે, પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એવો આક્ષેપ કર્યો છેકે, એક રૂપિયાના કામમાં માત્ર 30 પૈસાનું જ કામ થાય છે. તેમાં રોડ રસ્તાના કામોમાં તો ભરપુર ખાયકી થઈ રહી છે જેના કારણે રસ્તાની ગુણવત્તા જળવાતી નથી. આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ પણ ટેન્ડરોમાં મોટાપાયે ગોઠવણ થઈ રહી હોવાનો આક્ષેપ કરીને સરકારને કઠેડામાં ઊભી કરી દીધી હતી. આમ, પ્રજાના કામો ન થતાં ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી અકળાયા છે. રજૂઆતના પત્ર વાઈરલ કરી ધારાસભ્યો સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા મેદાને પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. શિસ્તના લીરેલીરા ઉડી રહ્યાં છે તેમ છતાંય ધારાસભ્યો બેબાક બોલ બોલી રહ્યાં છે. કમલમમાં આદેશને ય ધારાસભ્યો જાણે ધોળીને પી ગયાં છે. પ્રજાલક્ષી કામો ન થતાં ધારાસભ્યોની અકળામણ વધી છે કેમકે, વિસાવદર વાળી થવાનો ડર પેઠો છે.