Get The App

ભાઈની ગેરકાયદે દુકાન બચાવવા ભાજપના કોર્પોરેટરે સોસાયટીનું રિ ડેવલોપમેન્ટ અટકાવ્યું

Updated: May 5th, 2025

GS TEAM

Google News
Google News
ભાઈની ગેરકાયદે દુકાન બચાવવા ભાજપના કોર્પોરેટરે સોસાયટીનું રિ ડેવલોપમેન્ટ અટકાવ્યું 1 - image

Ahmedabad News : શહેરના આનંદનગરમાં આવેલા વસ્ત્રાપુર રેલવે સ્ટેશનની સામે આવેલા નીરાલી ફ્લેટમાં રિ-ડેવેલોપમેન્ટ માટે 80 ટકા ઉપરાંત સભ્યોની સહમતી હોવા છતાંય,  ફ્લેટમાં રહેતા ભાજપના સરખેજ વોર્ડના કોપારેટર સુરેન્દ્ર ખાચરે વિરોધ કરીને તેમના મળતિયાઓની મદદથી બિલ્ડરે એપાર્ટમેન્ટ બહાર લગાવવામાં આવેલું બોર્ડ પણ તોડી નાખ્યું હતું.  

સાથે સાથે રિ-ડેવેલોપમેન્ટ કમિટીના સભ્યને ધમકી પણ અપાઇ હતી. આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. એટલુ જ સુરેન્દ્ર ખાચરના ભાઇએ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે દુકાનો બનાવી હોવાથી તેમણે સોસાયટીના ડેવેલોપમેન્ટનું કામ અટકાવવા પ્રયાસ કર્યાનો આરોપ છે.

આનંદનગર વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર રેલવે સ્ટેશન સામે 40 થી 45 વર્ષ જુના  નીરાલી ફ્લેટ આવેલા છે.  આ ફ્લેટ જુના થઇ ગયા હોવાથી તેનું રિ-ડેવેલોપમેન્ટ કરવા માટે વર્ષ 2023 થી સોસાયટીની રિ-ડેવેલોપમેન્ટ કમિટી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એક વર્ષ બાદ વિવિધ બિલ્ડર પાસેથી મંગાવેલા ક્વોટેશન બાદ  વંદેમાતરમ આર્યન ગુ્રપ સાથે સોસાયટીએ કરાર કર્યા હતા. આ માટે સોસાયટીના 105 સભ્યો પૈકી 88 સભ્યોએ સહમતી આપી હતી. પરંતુ, તેમના એપાર્મટેન્ટમાં ફ્લેટ નંબર સી-1માં રહેતા અને ભાજપના સરખેજ વોર્ડના કોર્પોરેટર સુરેન્દ્ર ભાણભા ખાચરના ભાઇ પ્રદીપની  તેમની સોસાયટીમાં ત્રણ ગેરકાયદે દુકાનો આવી હોવાથી સુરેન્દ્ર ખાચર રિ-ડેવેલપોમેન્ટ માટે તૈયાર થયા નહોતા. 

તેમણે સોસાયટીની રિ-ડેવેલોપમેન્ટ કમિટીના સભ્ય પ્રાંજલ દેસાઇ, મનીષ સેવક અને કૌૈશિકભાઇ ત્રિવેદીને ફોન કરીને હાથ પગ તોડાવી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

પરંતુ, બિલ્ડરે એપાર્ટમેન્ટની બહાર રિ-ડેવેલોમેન્ટનું બોર્ડ લગાવ્યુ ત્યારે તે બોર્ડ સુરેન્દ્ર ખાચરના કેટલાંક માણસો દ્વારા તોડી નાખવામાં આવ્યું હતુ. છેવટે એપાર્ટમેન્ટ સ્થાનિક લોકોએ ન્યાય માટે આનંદનગર પોલીસ સ્ટેશન જઇને ફરિયાદ કરવા માટે રજૂઆત કરતા પુરાવાના આધારે આ મામલે સુરેન્દ્ર ખાચર વિરૂદ્ધ ગુનો નોંધવામા આવ્યો હતો.