Gujarat

ચોર ઘૂસ્યા હોવાની શંકાએ લોકો ભેગા થયા પાદરા ભાજપના સહકારી નેતા ક્લિનિકમાંથી ચાદર ઓઢીને ભાગી છૂટયા

By GS TEAM
17 Aug 20252 mins read
ચોર ઘૂસ્યા હોવાની શંકાએ લોકો ભેગા થયા  પાદરા  ભાજપના સહકારી નેતા ક્લિનિકમાંથી ચાદર ઓઢીને ભાગી છૂટયા

પાદરા તા.૧૭ પાદરા તાલુકાના સાધી ગામના ભાજપાના કાર્યકર તેમજ એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલના મોડી રાત્રે ચાદર ઓઢીને રહસ્યમય ભાગવાનું કૃત્ય કરતા ચકચાર મચી છે. ગામના એક ક્લિનિકમાં મહિલા સાથે આખી રાત રોકાયા બાદ વહેલી સવારે ચાદર ઓઢીને રહસ્યમય સંજોગોમાં ભાગી રહેલા ભાસ્કર પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતે ઓળખાય નહી તેવી રીતે ચાદર ઓઢીને ભાગતા ભાસ્કર પટેલને ગ્રામજનોએ ચોર સમજીને પકડયા હતાં પરંતુ ભાસ્કર પટેલ ખુલ્લા પડી જતા તેઓ એક કારમાં ભાગવામાં સફળ રહ્યા હતાં. 

ગ્રામજનોએ જણાવ્યુ હતું કે મધ્યરાત્રિના સમયે સામાન્ય રીતે બંધ રહેતું ક્લિનિક ખુલ્લું જોઈને શંકા થતા લોકો એકત્ર થયા હતા. ક્લિનિકમાં ચોર ઘૂસ્યો હોવાનો ભ્રમ ફેલાતા પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ પણ કરી હતી પરંતુ ક્લિનિકની અંદર રહેલી મહિલાએ પોતે સુરક્ષિત હોવાનું જણાવતા પોલીસ સ્થળ પરથી પરત ફરી ગઈ હતી. 

ગ્રામજનોએ કહ્યુ હતું કે પરોઢે અચાનક ચાદર ઓઢેલો એક પુરુષ ક્લિનિકમાંથી નીકળીને ભાગવા લાગ્યો હતો. કાળા કાચવાળી ફોર્ચ્યૂનર કાર શખ્સને લેવા માટે આવી હતી. ચાદર ઓઢીને ભાગતા શખ્સની વર્તણૂંક શંકાસ્પદ લાગતા તેને પકડીને અમે ચાદર ખેંચીને જોતા તે વ્યક્તિ ભાસ્કર પટેલ હોવાનું બહાર આવ્યું હતું પરંતુ તે છટકીને કારમાં બેસી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે,  મધ્યરાત્રે ક્લિનિકમાં ભાસ્કર પટેલ શું કરતા હતા? તેમની સાથે રહેલી મહિલા કોણ હતી? તેમને બચાવવા કોણ આવ્યું હતું? આ ઘટનાને લઈને પાદરા પોલીસ મથકના પી.આઇ. વી.એ. ચારણે જણાવ્યું હતું કે, રાત્રે ચોરીની શંકા અંગે મળેલી માહિતી પર પોલીસ પહોંચી હતી. દરવાજો ખખડાવતા અંદર રહેલી મહિલાએ હું એકલી છું એવો જવાબ આપ્યો હતો. મહિલાએ પોલીસ સાથે આવશો તો દરવાજો ખોલીશ એવું જણાવતા પોલીસ વધુ કાર્યવાહી કર્યા વગર પરત ફરી હતી.