ભાજપ-કોંગ્રેસમાં ભરતી મેળો, AAPના આદિવાસી નેતા અર્જુન રાઠવા કોંગ્રેસમાં જોડાયા
ડેસર તાલુકા પંચાયતના સાતમાંથી પાંચ સભ્યોએ કેસરિયો ખેસ પહેર્યો
મહેસાણામાં ભાજપના પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીએ અચાનક રાજીનામું ધરી દીધું
અમદાવાદઃ ગુજરાતમાં મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓમાં હોદ્દાઓની વહેંચણી કરવામાં આવી છે. એકબાજુ લોકસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે તો બીજી બાજુ પક્ષપલટાની મૌસમ પણ પુરબહારથી ખીલી છે. આજે વડોદરા જિલ્લાની ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સાત સભ્યો પૈકી પાંચ સભ્યોએ રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જેના કારણે ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો થયો છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા પણ કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે.
વિસનગર અને ડેસરમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે વડોદરા જિલ્લાની ડેસર તાલુકા પંચાયતના પાંચ સભ્યો ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. બીજી તરફ ત્રણેય પાર્ટીઓ આદીવાસી વિસ્તારોમાંથી મત અંકે કરવા માટે મહેનત કરી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડેલા આદીવાસી નેતા અર્જુન રાઠવા આજે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે. તે ઉપરાંત મહેસાણાના વિસનગરમાં પણ ભાજપે મોટો ખેલ પાડી દીધો હતો. વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખની બેઠક એસસી મહિલા હોવાથી ભાજપના એક પણ સભ્યોમાં એસસી મહિલા નહીં હોવાથી ભાજપે કોંગ્રેસના ત્રણ સભ્યોને તોડીને કેસરીયો કરાવ્યો હતો.
યુવા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ હતી
ગુજરાત ભાજપના સગંઠનમાંથી એક પછી એક નેતાના રાજીનામાં લેવાયા છે ત્યારે આજે પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપનું મંત્રી પદ છોડી દીધું છે. મહેસાણાના વતની પંકજ ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.જો કે આ રાજીનામું આપ્યું છે કે તેની પાસેથી લઈ લેવાયું છે તેની પણ ચર્ચા ચાલી રહી છે તેમજ તમણે આ રાજીનામું એક મહિના પહેલા જ આપી દીધું હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. હજુ સુધી આ રાજીનામું ક્યા કારણોસર આપ્યું છે કે લેવાયું છે તે અંગે કોઈ માહિતી નથી. આ રાજીનામાં પર પંકજ ચૌધરીએ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પંકજ ચૌધરીને યુવા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ હતી.