વડોદરા પાલિકાની સભામાં ભૂખી કાંસ મુદ્દે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને
Vadodara : વડોદરા પાલિકાની સભામાં ભૂખી કાંસને ડાયવર્ટ કરવાના મુદ્દે વિરોધ પક્ષ અને શાસક પક્ષના સભ્યો સામ સામે આવી ગયા હતા. કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે રજૂઆત કરી હતી કે, કોર્પોરેશનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન વખતે અમે નદીમાં જે કામગીરી થવાની છે તેનું સમર્થન કર્યું હતું પરંતુ આ દરમિયાન પ્રેઝન્ટેશનમાં ભૂખી કાંસને ડાયવર્ટ કરવાની બાબત રજૂ કરી હતી જેનો અમે વિરોધ કર્યો હતો. ભૂખીને ડાયવર્ટ કરવાથી હાલ જે વોર્ડ નંબર 1માં વરસાદના પાણી આવી રહ્યા નથી તેને કારણે પાણી ભરાશે, જેથી બિનજરૂરી અમારા વોર્ડ વિસ્તારના લોકોએ ચોમાસામાં હાલાકી વેઠવી પડશે.
જહા ભરવાડે એમ પણ જણાવ્યું કે, ભૂખી કાસને જો ડાયવર્ટ કરવામાં આવશે તો જે ગૌરવ પથ રોડ બનાવવામાં આવ્યો છે તે ખોદી નાખવો પડશે. ઉપરાંત ભૂખી કાંસને નવાયાર્ડ સુધી લઈ જવાની વાત છે તો તેને કારણે છાણીમાં સિલકોડ કરેલ અને નવાયાર્ડમાં જે રોડ બનાવ્યો છે તે પણ ખોદવો પડે તેવી પરિસ્થિતિ છે. તો એક બોર્ડની મુશ્કેલી બીજા વોર્ડને થોપી ન દેવાય તેવી દલીલ તેમણે કરી હતી અને પાલિકા તંત્રએ આવા ખોટા નિર્ણય ન લેવા જોઈએ તેમ જણાવ્યું હતું.
કોંગ્રેસના કાઉન્સિલરના આક્ષેપ સામે ભાજપના વોર્ડ નંબર બેના કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિતે જણાવ્યું કે, ભૂખી કાંસ વોર્ડ એક અને બેને બંનેને જોડતો વિષય છે. વર્તમાન જે ચાર મીટરની કાંસ છે તેને ડાયવર્ટ કરતા છાણી જકાતનાકાથી નવાયાર્ડ થઈ નિઝામપુરા સુધી નવીન કાંસ બનાવીએ છીએ, તે બનાવવાથી વોર્ડ એકમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવું નથી. પ્રેઝન્ટેશનમાં ભૂખીનું પ્રેઝન્ટેશન હતું જ પરંતુ એને કારણે વોર્ડ એક અને વોર્ડ બેના નાગરિકોને સમસ્યા સર્જાવાની છે એવું નથી. ભૂખી જે ડાઈવર્ટ કરવાની છે તેમાં વોર્ડ બેમાં 50થી 60 જેટલી સોસાયટીના નાગરિકોને એની સમજ આપી તેમના અભિપ્રાય લેવામાં આવ્યો છે, તેઓને આમાં સમજ આપી છે. ભૂખી કાસને ડાયવર્ટ કરવાની જે વાત છે તેમાં ટેકનિકલ એન્જિનિયર રિપોર્ટમાં પણ પાણી ભરાવવાની શક્યતા નથી તેવું દર્શાવવામાં આવ્યું છે. અમે લોકોએ વોર્ડ નંબર એકમાં પણ બેઠક કરી છે ત્યાં પણ ભૂખીને ડાયવર્ટ કરવાનો વિરોધ નથી અને આ ભૂખીને ડાઈવર્ટ કરવાનું નહીં પરંતુ તેને રીરૂટ કરવાનો વિષય છે. જેથી આ મામલે લોકોમાં ગેરસમજ ઊભી થવા દેવી ન જોઈએ. ત્યારે ભૂખીના કારણે રોડ તોડવા મામલે ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલે જણાવ્યું કે, ભૂખી કાંસ બનાવવા માટે ચેનલ તોડવાની છે, તેમાં રોડ તોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. વહેલામાં વહેલી તકે ભૂખિ કાંસનું કામ શરૂ થવું જોઈએ, એનાથી કોઈને નુકસાન નથી તેવું અમારું માનવું છે.