Gujarat

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ 'નો રિપીટ થિયરી', ભાજપના 4 ઉમેદવાર જાહેર

By GS TEAM
4 Jun 20263 mins read
TukuTouch Logo
ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ આજે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજ્યની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ 'નો રિપીટ થિયરી', ભાજપના 4 ઉમેદવાર જાહેર

Rajya Sabha seats in Gujarat: ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ આજે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજ્યની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત થતાં ભાજપના ત્રણ જૂના જોગીઓનું પત્તું કપાઈ ગયું છે. ભાજપે આ વખતે રાજ્યસભામાં પણ નો રિપીટ થીયરી અપનાવી છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં બે સૌરાષ્ટ્રના તો બે નેતા મધ્ય-ઉત્તર ગુજરાતના છે.

કોણ છે રાજ્યસભાના ચારેય ઉમેદવારો?

મુકેશ રાઠવા: આદિવાસી સમાજ, છોટાઉદેપુર જિલ્લા કવાંટના રહેવાસી છે, ભાજપ મહામંત્રી, ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે 

જીતેન્દ્ર કણઝારીયા: સતવારા સમાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ (BJP)ના અગ્રણી નેતા અને કાર્યકર છે  જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021માં કોરોનાના કારણે પિતા મેઘજીભાઈ કણઝારિયાનું નિધન થયું હતું

માનસિંહ પરમાર: રાજપૂત સમાજ, હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

રાજુ શુક્લા: બ્રાહ્મણ સમાજ, કડી-કલોલ ભાજપના કાર્યકર અને હાલ સુરેન્દ્રનગર પ્રભારી

ગુજરાત કયા ચાર રાજ્યસભાના સાંસદ થઈ રહ્યા છે નિવૃત?

-રામભાઈ હરજીભાઈ મોકરીયા (નો રિપીટ)

-અમીન નરહરિ હીરાભાઈ (નો રિપીટ)

-ગોહિલ શક્તિસિંહ હરિચંદ્રસિંહ

-રમીલા બેચરભાઈ બારા (નો રિપીટ)

આદિવાસી પટ્ટામાં AAPનું પ્રભુત્વ ઓછું કરવા યુવા ચહેરાને સ્થાન

છોટાઉદેપુર જિલ્લાનો કવાંટ તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ સરહદી અને પછાત તાલુકો છે. કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામના રહેવાસી મુકેશભાઈ જામ્સિંગભાઈ રાઠવાએ LLB તેમજ ઇતિહાસ વિષયમાં PhD કર્યું છે. તેમના પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે, જ્યારે તેમના દામ્પત્ય જીવનમાં એક પુત્રી છે. તેમના પિતાજી GMDCમાં ફરજ બજાવતા હતા. 39 વર્ષીય મુકેશભાઈ રાઠવા વર્ષ 2002થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં સક્રિય કાર્યકર તરીકે કાર્યરત છે. તેઓ વર્ષ 2012માં ભાજપના સક્રિય રાજકારણમાં આવ્યા હતા. અગાઉ તેમને પ્રદેશ સંગઠનના યુવા મોરચામાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પણ મળી હતી, જ્યારે હાલમાં તેઓ છોટાઉદેપુર જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે કાર્યરત છે.

તેમણે વર્ષ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાની પાવીજેતપુર બેઠક પરથી ભાજપની ટિકિટ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. આમ છતાં, કવાંટ જેવા પછાત તાલુકાના સામાન્ય પરિવારમાંથી આવતા આ નાના કાર્યકરની ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી પાછળનું મુખ્ય કારણ એ માનવામાં આવે છે કે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) છેલ્લા કેટલાક સમયથી સક્રિય હતી, જેના કારણે ભાજપની પરંપરાગત આદિવાસી વોટબેંકમાં ગાબડું પડવાની શક્યતા હતી. આથી, ભાજપે આદિવાસી સમાજના એક ભણેલા-ગણેલા યુવા ચહેરાને રાજ્યસભામાં મોકલીને આમ આદમી પાર્ટીના પ્રભાવને નબળો પાડવાનો વ્યૂહાત્મક પ્રયાસ કર્યો છે.

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ 

ચૂંટણી જાહેરનામું (Notification): 1 જૂન 2026

નામાંકન (Nomination) ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન 2026

નામપત્રોની ચકાસણી (Scrutiny): 9 જૂન 2026

નામ ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન 2026

મતદાન અને પરિણામ: 18 જૂન 2026

ગુજરાતમાં કોંગ્રેસ માટે ઐતિહાસિક સંકટ

ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોઈપણ પક્ષને 37 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જ્યારે હાલમાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ છે. જો કોંગ્રેસ પાસે 10 ધારાસભ્યો હોય તો તેઓ માત્ર પોતાની દાવેદારી નોંધાવી શકે છે, પરંતુ જો ભાજપ થોડો પણ પ્રયાસ કરશે તો કોંગ્રેસ માટે ઉમેદવારી ફોર્મ ભરવું પણ મુશ્કેલ બની જશે. પરિણામે, જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.