અમૂલ ડેરીમાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસનો મરણિયો પ્રયાસ
- વીરપુર જમીન કૌભાંડ કોંગ્રેસે જાહેર કરીને વિરોધ શરૂ કર્યો
- ભાજપે બ્લોક પ્રમાણે દૂધ મંડળીના ચેરમેનો અને સભાસદોના સંમેલન યોજવાની શરૂઆત કરી
અમૂલ ડેરીની સામાન્ય ચૂંટણી માટે દૂધ મંડળીઓની મતદારોની યાદી જૂન મહિનામાં જાહેર થઇ હતી. જેમાં અંદાજિત ૧૨૫૬ મતદારો નોંધાયા હતા. આગામી સમયમાં આખરી મતદાર યાદી પ્રસિદ્વ થશે. બાદમાં અમૂલ ડેરીની ચૂંટણી જાહેર કરાશે. હાલમાં અમુલ ડેરીમાં ભાજપનું શાસન છે.
આગામી ડેરીની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ અત્યારથી તૈયારી શરૂ કરીને એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે બ્લોક પ્રમાણે દૂધ મંડળીના ચેરમેનો અને સભાસદોના સંમેલન યોજવાની શરૂઆત કરી છે. હાલમાં આણંદના ખંભાત અને પેટલાદમાં બ્લોક સંમેલન યોજાયા હતા. આગામી દિવસોમાં આણંદ અને આંકલાવમાં બ્લોક સંમેલન યોજવામાં આવશે. તે રીતે ખેડા અને મહિસાગર જિલ્લાના તમામ બ્લોકમાં ભાજપ દ્વારા તબક્કાવાર સંમેલનો યોજાસે. બ્લોક દીઠમાં ૯૦થી ૧૨૦ મતદારોનો સમાવેશ થયો છે. ત્રણ જિલ્લામાં ૧૨ બ્લોક બનાવ્યા છે.
જયારે કોંગ્રેસે પણ મતદારોને ભાજપથી વિમુખ કરવા માટે દાવપેચ શરૂ કર્યા છે અને હવે કોંગ્રેસે વીરપુરની જમીન કૌભાંડ ઉછાળવામાં આવ્યું છે. આ મામલે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું. અમુલના વહિવટકર્તાઓએ આચરેલો ભ્રષ્ટાચારને ખૂલ્લા પાડવાની અને મતદારો સમક્ષ લઇ જવાની દિશામાં કામગીરી હાથ ધરી છે.
અમૂલના તમામ બ્લોકમાંથી ઉમેદવારોની પસંદગી કરીને પેનલ બનાવીને કેન્દ્રીય સહકાર મંત્રી અને ગૃહમંત્રીને મોકલી દેવામાં આવી છે.
તાજેતરમાં આણંદની કેન્દ્રિય સહકારી મંત્રીની આણંદ મુલાકાત દરમિયાન અગ્રણીઓ સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા કરી હતી.