સુરતમાં પહલગામના મૃતકોની શ્રદ્ધાંજલિ સભામાં ભાજપ-આપના કાર્યકરો બાખડ્યાં, એકબીજાને દેશદ્રોહી કહ્યા
Surat Municipal Corporation : સુરત મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે આ દરખાસ્ત રજૂ થયા બાદ વિપક્ષ અને શાસકોએ એકબીજાને દેશદ્રોહી કહેતા મામલો બિચક્યો હતો અને બંને પક્ષના કોર્પોરેટરો સામ સામે આવી ગયા હતા.
સુરત મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી સભા મુલતવીએ રાખવા માટેની માંગણી કરવામાં આવી હતી. જોકે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પરંતુ સભાના રજૂ થયેલા કામો એક સાથે મંજૂર કરી દેવામાં આવ્યા હતા.
વિપક્ષ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તે સમયે પાકિસ્તાન પર બોમ્બ ફેંકીને પાઠ ભણાવવા માટે માંગણી કરી હતી. ત્યારે ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે વિપક્ષના સભ્યોને તમે દેશદ્રોહી છો તેવું કહ્યું હતું. જેને કારણે મામલો બિચક્યો હતો. વ્રજેશ ઉનડકટે આક્ષેપ કર્યો હતો કે 'જ્યારે સેના પાકિસ્તાન પર હુમલો કરે છે, ત્યારે તમારા નેતાઓ પુરાવા માંગે છે. એટલે તમે લોકો દેશદ્રોહી છો.' જેના કારણે ભારે હોબાળો થયો હતો. શાસક પક્ષ અને વિપક્ષના કોર્પોરેટરો સામ સામે આવી ગયા હતા. જેના કારણે એક સાથે બધા કામો મંજૂર કરી લેવામાં આવ્યા હતા.
સામાન્ય સભા પૂરી થયા બાદ સભાખંડની બહાર નીકળતા પણ બંને પક્ષના કોર્પોરેટરો રીતસરના બાખડતા જોવા મળ્યા હતા. બીજી તરફ વિપક્ષે એવો આક્ષેપ કર્યો હતો કે અમે જ્યારે પાકિસ્તાન પર હુમલો કરવાની વાત કરીએ છીએ, ત્યારે ભાજપના કોર્પોરેટરો અમારા પર આક્ષેપ કરે છે તેથી તેઓ દેશદ્રોહી છે.