Bitcoin Case: ગુજરાતના બહુચર્ચિત અપહરણ અને બિટકોઈન હેરાફેરી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વધુ બે આરોપીઓની અટકાયત કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની અટકાયત કરવામાં આવી છે. આ બંને પર કરોડોના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં સંડોવણી હોવાનો ગંભીર આરોપ છે.
240 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ
EDની તપાસ અનુસાર, આ આખું કૌભાંડ અંદાજે 240 કરોડ રૂપિયાથી વધુની કિંમતના બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સીની ગેરકાયદે હેરાફેરી સાથે જોડાયેલું છે. આ બંને આરોપીઓ પર કરોડોના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં સીધી સંડોવણી હોવાનો અને નાણાકીય હેરાફેરીમાં મદદગારી કરવાનો ગંભીર આરોપ છે.
બંને આરોપીઓને EDની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ED દ્વારા આંતરરાષ્ટ્રીય લિંક્સ અને નાણાંના સ્ત્રોતની તપાસ કરવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો: મહિસાગરમાં 123 કરોડના 'નળ સે જળ' કૌભાંડ મામલે વધુ 4 કર્મચારીઓની ધરપકડ
મોટા ખુલાસા થવાની શક્યતા
ઉલ્લેખનીય છેકે, આગામી 5 દિવસની પૂછપરછ દરમિયાન EDએ જાણવાનો પ્રયાસ કરશે કે આ કરોડોના બિટકોઈન ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને આ નેટવર્કમાં અન્ય કયા મોટા નેતાઓ કે અધિકારીઓની સંડોવણી છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે રિમાન્ડ દરમિયાન આ કૌભાંડના અનેક વણઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઉચકાશે.
શું હતો કેસ?
વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો કેસ નોંધાયો હતો. એક ફાયનાન્સ કંપનીમાં કરેલા બિટકોઇન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. તેથી તેણે આ કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગ્યા હતા. ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને 9 કરોડ રૂપિયાની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી હતી.
આ કૌભાંડ બહાર આવતા કેસ સીઆઇડી ક્રાઇમને સોંપાયો હતો. સીઆઇડીએ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ કરાઈ હતી.


