Get The App

બિટકોઇન-અપહરણ કેસ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઇકોર્ટના શરતી જામીન

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
બિટકોઇન-અપહરણ કેસ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઇકોર્ટના શરતી જામીન 1 - image


Nalin Kotadiya Bitcoin Case: સુરતના બહુચર્ચિત બિટકોઇન ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં બંધ બીજેપીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટે નલિન કોટડિયાની સજા પર સ્ટે મૂકીને તેમને રૂ. 50,000ના પર્સનલ બોન્ડ અને એટલી જ રકમના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે બિટકોઇન કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયા, તત્કાલિન એસપી સહિત કુલ 14 આરોપીઓને ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરોની સ્પેશિયલ ACB કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાં ACB કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી, જોકે આજીવન કેદની સજા સામે અપીલ કરી હતી જે પેન્ડિંગ હોય ત્યારે હાઇકોર્ટે કોટડિયાને શરતી જામીન મંજૂર કર્યા છે.

શું હતો કેસ?

વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો કેસ નોંધાયો હતો. એક ફાયનાન્સ કંપનીમાં કરેલા બિટકોઇન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. તેથી તેણે આ કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગ્યા હતા. ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને રૂ. 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી હતી.

આ કૌભાંડ બહાર આવતા કેસ સીઆઇડી ક્રાઇમને સોંપાયો હતો. સીઆઇડીએ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારી તેમજ સુરતના વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછમાં જ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ સહિતના નામ ખૂલ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે જગદીશ પટેલની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ આ કેસમાં સમયાંતરે કુલ 14 લોકોની ધરપકડ કરાઈ હતી.