Get The App

બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય

ગ્રાઉન્ડમાં મટીરીયલ નાખવા પહોંચેલ કોર્પોરેશનના ડ્રાઇવરને આયોજકોએ લાફા ઝીંકી દીધા

અચાનક મંજૂરી રદ્દ થતા આયોજક અને ખેલૈયાઓને મોટો આઘાત

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય 1 - image


આવતીકાલથી નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. ત્યારે શહેરના મોટા ભાગના ગરબા ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. તેવામાં શહેરના જાણીતા બીટા ગરબાની કોર્પોરેશને મંજૂરી રદ્દ કરતા ગરબા પ્રેમીઓ અને આયોજકોમાં ખળભળાટ મચી ગયો હતો. આ અચાનક લેવામાં આવેલા નિર્ણય પાછળ લાફા પ્રકરણ જવાબદાર છે.
બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય 2 - image
ગઈકાલે રાત્રે અકોટા સ્ટેડિયમ ખાતે કોર્પોરેશને ગરબાનું આયોજન કર્યું હોવાથી કોર્પોરેશન તરફથી વરસાદી પાણી ભરાયેલા ખાડાઓના લેવલ માટે ટ્રેકટરમાં કોરીડોઝ અને વેડમીક્ષ સામગ્રી લાવવામાં આવી હતી. પરંતુ સ્થળ પર હાજર બીટા (બરોડા આઇટી એસોસિયેશન) ગ્રુપના સંચાલકોએ આ સામગ્રી ગ્રાઉન્ડમાં નાખવા માટે વાંધો ઉઠાવ્યો હતો. ફરિયાદ મુજબ, ટ્રેક્ટર ડ્રાઈવરે "હું માલ ખાલી નહીં કરું અને ટ્રેક્ટર પાછું લઈ જઈશ" એટલું કહ્યું, ત્યારબાદ બીટા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલે કર્મચારીને બે લાફા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત હરજીતસિંઘ સોઢી નામના વ્યક્તિએ ટ્રેક્ટર ચાલકને બેફામ ગાળો પણ ભાંડી હતી. ઘટનાની જાણ થતાં કોર્પોરેશનના અન્ય અધિકારીઓ પણ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા અને આખરે ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદી અજયકુમાર કીશનલાલ પારસી, વોર્ડ નંબર 8માં કોન્ટ્રાકટ હેઠળ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે, તેણે જણાવ્યું હતું કે, વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાતા લેવલ કરવા માટે કોરિડોઝ અને વેડમીક્ષ નાખવા ટ્રેક્ટર લઇ પહોંચ્યો હતો. આ મામલાની ગંભીરતાને લઈ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી હતી. પોલીસે પણ બીટા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંધ સોઢી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્પોરેશનના ટુરીસ્ટ વિભાગે બીટા ગરબાની મંજૂરી રદ્દ કરવાની જાહેરાત કરી હતી. ટુરિસ્ટ વિભાગના પત્રમાં જણાવ્યું છે કે, અકોટા સ્ટેડિયમ નવરાત્રી મહોત્સવ માટે ફાળવવામાં આવ્યું હતું. જે ફાળવણી મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે છે. આ અંગે આયોજક પરેશભાઈનું કહેવું હતું કે, જીતેન્દ્ર અને હરજીતસિંઘ અમારી કમિટીમાં છે. હાલ કોર્પોરેશન સાથે અમારી વાતચીત ચાલી રહી છે. જે પણ નિર્ણય થશે તે જાહેર કરીશું . અત્રે ઉલ્લેખનીય છે કે, બીટા ગ્રાઉન્ડનું શહેરમાં ખાસ મહત્વ રહ્યું છે અને દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉમટી પડતા હોય છે. પરંતુ આ વર્ષે મંજૂરી રદ્દ થતા આયોજક અને ખેલૈયાઓને મોટો આઘાત લાગ્યો છે. 

Tags :