Gujarat

બિશ્નોઇ ગેંગના સાગરીત નીલુ સિંધીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
10 Oct 20251 min read
બિશ્નોઇ ગેંગના સાગરીત નીલુ સિંધીની જામીન અરજી નામંજૂર

વડોદરા : રાજ્યમાં દારૃબંધી હોવા છતાં વિવિધ જિલ્લાના બુટલેગરોને દારૃ સપ્લાય કરી રાજ્યમાં દારૃની રેલમછેલ કરનાર બિશ્નોઇ ગેંગ સહિતના ૧૩ આરોપીઓ સામે એસએમસીએ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ હાલ  જેલમાં રહેલા આરોપી નીલેશ ઉર્ફે નીલુ સિંધીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાન, ગોવા, પંજાબ ,હરિયાણા માંથી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડનાર બિશ્નોઇ ગેંગના ૧૩ બુટલેગરો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં છબીલનાથ રાજપુત ,નિલેશ ઉર્ફે નીલુ નાથાણી સહિતના નવ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે હજી પાંચ આરોપીઓ આ ગુનામાં ફરાર છે.હાલ જ્યુ. કસ્ટડી હેઠળ જેલમાં રહેલ આરોપી નીલેશ ઉર્ફે નીલુ ઉર્ફે  ભાઇજી હરેશભાઇ નાથાણી (સિંધી)એ જામીન અરજી મુકી હતી.

સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે,આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો નોંધાયેલો છે. તેની સામે પ્રોહિબિશનના ૩૪ ગુના નોંધાયેલા છે ત્યારે જામીન અપાશે તો ફરી આ પ્રકારના ગુના આચરશે. આરોપી તેમજ તેની પત્નિના બેંક એકાઉન્ટમાં લાખોના ટ્રાન્ઝેકશન થયા છે તેની તપાસ હાલ ચાલી રહી છે. ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.