For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ગુજરાત સમાચાર'ના સ્વપ્નશિલ્પીને જન્મશતાબ્દીએ શત શત નમન!

Updated: Jan 13th, 2020

'ગુજરાત સમાચાર'ના સ્વપ્નશિલ્પીને જન્મશતાબ્દીએ શત શત નમન!

આઝાદી પછીના ગુજરાતી પત્રકારત્વમાં નોખો ચીલો પાડનારા ગુજરાતી પત્રકારત્વના 'ભીષ્મ' શાંતિલાલ શાહનો આજે ૧૦૦મો જન્મ દિવસ છે. પત્રકારો, લેખકો અને કળા-સાહિત્યના રત્નોને પારખવાની અદ્ભુત શક્તિ ધરાવતા તેઓ ખરા શબ્દઝવેરી હતા. શતાબ્દી નિમિત્તે જાણીએ તેમનો સંઘર્ષ અને 'ગુજરાત સમાચાર'ને સફળતાની ટોચ સુધી પહોંચાડવાની સફર...

આંખોમાં એકાએક ભવ્ય પ્રતિમા જોતાં સૌંદર્યનું અજવાળું ફેલાઇ જાય છે. આરસપહાણની કમનીય પ્રતિમા જોઈને આપણું આખુંય અસ્તિત્વ નાચી ઊઠે છે, પરંતુ એ ભાગ્યે જ વિચારે છે કે આ અપ્રતિમ પ્રતિમાના સર્જનકાર્યની પાછળ એના શિલ્પીએ કેવો આકરો પુરુષાર્થ કર્યો હશે! જીવનની કેટલીય મોજ કે આનંદભરી ક્ષણોનો ભોગ આપ્યો હશે. જગત જેને સુખો માને છે એવાં સુખો ત્યજ્યાં હશે અને કેટલીય અગ્નિપરીક્ષામાં થઇને એણે આ સર્જન કર્યું હશે.

પ્રિય વાચકો, તમે આ અખબાર 'ગુજરાત સમાચાર'ને રોજ વાંચો છો, એકાદ દિવસ એ અખબાર વાર-તહેવારે રજા પર જાય, ત્યારે તમારી સવાર કંઇ નિસ્તેજ બની જાય છે. આજે આ અખબારના પુરુષાર્થી શિલ્પીની વાત કરીએ, જેમણે એક ખરબચડાં પથ્થરમાંથી આરસની સુંદર પ્રતિમા સર્જી.

આજના જમાના પૂર્વેના અખબારના સૂત્રધારોએ અથાગ જંગ ખેલીને અને મુશ્કેલીઓનો વર્ષમાં કે મહિનામાં નહીં, પણ રોજેરોજ મુકાબલો કરીને એની સામે પોતાનાં ખમીર, નિષ્ઠા અને ખેલદિલી દાખવ્યા છે. આ વાત છે 'ગુજરાત સમાચાર'ના અધિષ્ઠાપક તંત્રી અને શૂન્યમાંથી અખબારનું સર્જન કરનારા શ્રી શાંતિલાલભાઇ શાહની. સમકાલીનોના એ શાંતિભાઇ, નવોદિતોના શાંતિકાકા પણ એ સિવાયની અખબારી આલમના શેઠ. મજાની વાત એ છે કે 'શેઠ' હોવા છતાં ક્યાંય શેઠાઇ દેખાય નહીં.

ખાદીના સફેદ કપડાં, એમને ઘેર ભોજનમાં  માત્ર પાંચ વાનગી હોય, રહેણીકરણી  પણ સાદી.આવી વ્યક્તિએ ઈ.સ. ૧૯૫૧માં 'ગુજરાત સમાચાર'ની ધૂરા સંભાળી. એ સમય પૂર્વે શાંતિભાઇ વિજ્ઞાાપનનો વ્યવસાય કરતા અને એ જમાનામાં આઝાદીની ચળવળને કારણે ચોમેર પ્રસિદ્ધ થયેલા 'પ્રભાત' અખબારની બોલબાલા હતી. આઝાદીના જંગ સાથે સંકળાયેલા શ્રી કકલભાઇ કોઠારીની રાહબરી હેઠળ એ ચાલતું હતું અને ત્યારે શાંતિભાઇ વિજ્ઞાાપનો લાવીને અખબારની કચેરીમાં જતા.

એ સમયના 'ગુજરાત સમાચાર'માં પણ એ જાહેરખબરો આપતા હતા, પરંતુ જાહેરખબર આપીને પછી પ્રેસમાં બેસતા, પત્રકારોને મળતા, મોડી રાત સુધી જે સમાચારો પ્રગટ થવા જતા હોય તે જોતાં અને ક્યારેક નવરાશ મળે અખબારની  પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં પણ રસ લેતા. એથી આગળ વધીને કોઇ પૂછે તો સમાચાર અંગે સલાહસૂચન પણ આપતા.

એ સમયે 'ગુજરાત સમાચાર' રેવડી બજારમાંથી પ્રગટ થતું હતું અને શાંતિભાઇ આખો દિવસ સાઇકલ પર ફરતા હતા. આમ છતાં એમની દ્રષ્ટિ તો સતત અખબારની દુનિયામાં ડૂબેલી રહી. પ્રમાણિક રહીને જાહેરખબરનો વ્યવસાય કરતા પણ મનોમન એવો વિચાર પણ કરતા કે જીવનમાં ઝંપલાવવું છે તો અખબારની આલમમાં.

આઝાદી પછીનો સમયગાળો
ઈ.સ. ૧૯૩૨માં સ્થપાયેલા અને આઝાદીનો અવાજ વ્યક્ત કરતા ''ગુજરાત સમાચાર''ની સ્થિતિમાં આઝાદી પછી અણધાર્યું પરિવર્તન આવ્યું. આઝાદી પૂર્વેના અખબારોમાં આવતાં દેશભક્તિનાં લખાણોને કારણે અને સમગ્ર દેશમાં જાગેલા લોકજુવાળને પરિણામે એની વેચાણ સંખ્યામાં ઘણો વધારો થયો હતો. 

એ જમાનામાં શ્રી અમૃતલાલ શેઠના તંત્રીલેખો વાંચવા માટે 'સૌરાષ્ટ્ર' અને 'ફૂલછાબ' ખરીદતા હતા, એમાં વળી અખબારની દુનિયામાં એક નવો પલટો આવ્યો. આંદોલનનો એ સતત ફૂંકાતો પવન સાવ શાંત થઇ ગયો. દેશની પરિસ્થિતિ વિશેની લોકજિજ્ઞાાસા ઝાંખી પડી ગઇ અને અખબારોની નકલ ઘટતાં કપરાં દિવસો જોવાના આવ્યા.

આ કપરા દિવસોમાં એક સમયે બાર હજાર નકલોનો ફેલાવો ધરાવતા 'ગુજરાત સમાચાર'ની આઠ હજાર નકલો વેચાવા લાગી! ચોપાસની આંધી વચ્ચે વળી બીજા અખબારો કરતાં 'ગુજરાત સમાચાર'  સામે એક બીજો  મહાવિકટ પડકાર જાગ્યો.

તમે કલ્પના તો કરો કે એ સમયે 'ગુજરાત સમાચાર'નું વાર્ષિક ટર્નઓવર ચાર લાખનું હતું અને માથે ચાર ગણું એટલે કે સોળ લાખનું દેવું હતું અને સામે પક્ષે માત્ર આઠ હજાર પ્રતો પ્રકાશિત થતી હોવાથી આફતનો ડુંગર ઊભો થયો હતો. પરંતુ આ આફતના ડુંગરથીય મોટા હિમાલય જેવા પર્વતનો સામનો કરવાની પરિસ્થિતિ 'ગુજરાત સમાચાર'ની એ માટે આવી કે જેને કારણે એ સમયે 'ગુજરાત સમાચાર'માંથી 'લોકપ્રકાશન લિમિટેડ' વધુ મોટી ખોટના ખાડામાં ઊતરી ગયું.

કંપનીના સંચાલકોએ 'ગુજરાત સમાચાર'ની વિશાળ ઇમારતનું નિર્માણ કર્યું હતું. એમાં ઉત્તમ અદ્યતન સામગ્રીઓ લાવવામાં આવી. અખબારની ઓસરતી જતી લોકચાહના વચ્ચે છેક ઇંગ્લેન્ડથી કલાકની પચાસ હજાર નકલો પ્રગટ થાય તેવું મશીન ખરીદવામાં આવ્યું.

એક તો ખોટ ખાતી કંપનીની  ખોટમાં અણધાર્યો,  જંગી વધારો થયો. વળી એવું પણ બનતું કે ઇંગ્લેન્ડથી આયાત થયેલા આ અત્યંત ઝડપી મશીનને કારણે એને ચલાવવામાં પણ મુશ્કેલી પડતી. શરૂઆતમાં માર્ગદર્શન આપવા આવેલા ઇંગ્લેન્ડના ટેક્નિશિયનો સમય જતાં પાછા ફરતાં નવો સવાલ ઊભો થયો.

એ હેન્ડ કમ્પોઝના જમાનામાં દર ત્રણ મહિને પ્રિન્ટિંગ પ્રેસના ટાઇપોની બદલી થતી હતી, તેવે સમયે ઇંગ્લેન્ડના આ કેબેટ્રી પ્રિન્ટીંગ મશીનની હાઇસ્પીડ મશીનને કારણે માત્ર એક જ મહિનામાં ટાઇપો તૂટી જતા હતા. હાઇ-સ્પીડ મશીનને કારણે કલાકની ૫૦ હજાર નકલો બહાર પડતી હતી. અરે! ૧૫ મિનિટમાં તો 'ગુજરાત સમાચાર'ની હજારો નકલો છપાઈ જતી. એની ઝડપને કારણે રોજ આઠ હજાર નકલો તો વેસ્ટેજ તરીકે બહાર આવી જતી.

આફતોએ અખબારને ચોતરફથી ઘેરી લીધું હતું. એમાં વળી ખાનપુર વિસ્તારમાં 'ગુજરાત સમાચાર'ની ભવ્ય ઇમારતનું નિર્માણ થયું. એમાં એ જમાનાના ઓગણીસ હજાર રૂપિયાની લિફટ નાખવામાં આવી. ઇમારત તો સહુને ગમી જાય એવી હતી, પણ એની ભીતરમાં ધરબાયેલી વેદનાનો કોને ખ્યાલ હોય!

સંચાલકો વિચારમાં પડયા કે હવે કરવું શું? ભવ્ય ઇમારત વેચવાના પ્રયાસો આરંભ્યા. આવી મોંઘી ઇમારત ખરીદે પણ કોણ? એ સમયે કોંગ્રેસ ભવન માટે વરિષ્ઠ નેતા મોરારજીભાઈ દેસાઈએ આ મકાન લેવાનો વિચાર કર્યો, પણ ભાવ વધુ લાગતાં સોદો તૂટી પડયો. 

કપરી સ્થિતિમાં સુકાન સંભાળ્યું
સંસ્થાના ચૅરમેન દાદાસાહેબ માવલંકરની નજર વિજ્ઞાાપનનો વ્યવસાય કરતાં યુવાન અને ધગશભર્યા શાંતિલાલભાઈ પર પડી, કારણ કે તેઓ અવારનવાર એમને અખબારના વિકાસ અંગે સૂચનો કરતા હતા.

સૂચન કરવા એ સહેલું કામ ગણાય, પરંતુ અખબારનું સંચાલન કપરું કામ ગણાય. પરંતુ યુવાન શાંતિભાઈની આંખોમાં જાણે અખબારની કીકી હોય તે રીતે એમણે એ સાહસ કરવાનું વિચાર્યું. કંપનીના ચૅરમેન દાદાસાહેબ માવલંકરને લાગ્યુ કે આવી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની કોઇની પાસે દ્રષ્ટિ હોય તો તે શાંતિભાઈ પાસે છે, એમને આ માટે કોઈ રસ્તો પૂછું. દાદાસાહેબ માવલંકરે કંપનીની કફોડી હાલતની વાત કરી. પોતાની મૂંઝવણની વાત કરી. કોઇ રસ્તો નહીં નીકળે તો મોટી ખોટ સહેવી પડશે એવી નિરાશા વ્યક્ત કરી.

નવા-સવા યુવાન શાંતિભાઈએ કહ્યું, 'સાહેબ, મને તમે 'ગુજરાત સમાચાર'ની ચાવી આપી દો. હું એને બંધ થવા નહીં દઉં.'

યુવાન શાંતિભાઈના અવાજમાં રહેલો સંકલ્પનો રણકો દાદાસાહેબ માવલંકરને સ્પર્શી ગયો અને એક સાહસિકને સીધું મહાન સાહસ કરવાનો દોર સોંપ્યો. એ સમયે આપત્તિઓના પહાડ વચ્ચે શાંતિભાઈએ આ સુકાન સંભાળ્યું. પહેલું કામ તો ખોટને નાથવાનું હતું. કંપનીએ બાંધેલા 'ધોળા હાથી'નો ઉપાય કરવાનો હતો.

ઓગણીસ હજારની લિફટ એ સમયે આ ઇમારતનું અને આ નગરનું આકર્ષણ હતું, પરંતુ શાંતિભાઈએ વિચાર્યું કે ખોટ ખાતી કંપનીને આવી મોંઘી દાટ લિફ્ટ પોસાય ખરી? એની ઉપયોગિતા કેટલી? શાંતિભાઈએ એક લિફટવાળાને બોલાવ્યો. એણે તો આવીને 'ગુજરાત સમાચાર'ની આ લિફ્ટની છુટ્ટે મોંએ પ્રશંસા કરવા માંડી.

એણે કહ્યું, 'સાહેબ, આ લિફ્ટ તે અખબારનું નજરાણું છે. કેવી મોટી શોભા છે! આ લિફ્ટ જોઇને સહુ કોઇને ઇર્ષા થાય. મારા જેવા લિફ્ટના વેપારીને પણ.'

શાંતિભાઈએ કહ્યું, 'તારી વાત સાચી છે, પણ હવે કહે, તને આ લિફ્ટ આપું તો તારે કેટલામાં લેવી છે?'લિફ્ટવાળો તો વિચારમાં પડી ગયો. એણે પોતાની ખુશામતના આવા પ્રતિભાવની કલ્પના પણ કરી નહોતી. એણે કહ્યું, કે 'સાહેબ, બહુ બહુ તો આ લિફ્ટના નવ હજાર રૂપિયા આપી શકાય.'

અને શાંતિભાઈએ એ જ ક્ષણે એની સાથે લિફ્ટ આપવાનો સોદો કર્યો, કારણ એટલું જ હતું કે ખોટમાં ચાલતી કંપનીને આવી લિફટ પોસાય નહીં. વળી આમાંથી નવ હજારની રકમ એમણે કંપની ચલાવવા માટે ઉપયોગમાં લીધી. એમને માટે ઇમારતની શોભા કરતાં કંપનીની કાર્યક્ષમતા અને સદ્ધરતા વધુ મહત્ત્વના હતા. એમનું ધંધાનું કૌશલ્ય એવું કે પહેલાં કંપનીમાં રહેલા વધારાના માણસોને રુખસદ આપી. કશું કામ નહીં કરનારા લોકોને પાણીચું આપ્યું અને માત્ર જરૂરી કાર્યક્ષમ સ્ટાફ જ રાખ્યો.

રાત્રે પણ ઉઠીને ઓફિસમાં આવી જતા
એમણે જોયું કે અખબારના પૂર્ણ વિકાસ માટે તંત્રીની ચોવીસે કલાક હાજરી જરૂરી છે, તેથી અમદાવાદના રતનપોળ હાથીખાનાના મકાનમાંથી નીકળીને 'ગુજરાત સમાચાર'માં ઉપરના માળે રહેવા આવ્યા. અડધી રાત્રે પણ કોઈ મુશ્કેલી આવતાં શાંતિભાઈને ઉઠાડી શકાતા. એ સમયે એમની પાસે એક જ કાર હતી, જેનો ઉપયોગ તેઓ દિવસે પોતાને માટે કરતા અને રાત્રે એ કારમાં પાર્સલ મોકલવામાં આવતા.

એક અર્થમાં કહીએ તો એવો પડકાર હતો કે જે એમના જીવનને ઘડી શકે અથવા તો સાવ છિન્નભિન્ન કરી શકે.

દિવસે પત્રકારોને મળે, સમાચારો જુએ, અગ્રણીઓની મુલાકાત લે અને રાત્રે અખબાર છપાઇને પ્રગટ થાય ત્યાં સુધી જાગતા હોય. રાતના ફેરિયાઓ વિશે કોઈ પ્રશ્ન ઊભો થાય, તો તેનું મોડી રાત્રે સમાધાન કરતા. અખબાર માટે એમણે રાતદિવસ એક કર્યા અને ચોવીસે કલાક સહુ કોઇને ઉપલબ્ધ રહ્યા. મોડી રાત્રે પણ કોઈ સામાન્ય ફેરિયો એમને ટેલિફોન કરીને જગાડીને પોતાની વાત કરી શકતો. આમ પોતાના રુધિરના બુંદેબુંદથી 'ગુજરાત સમાચાર'નું સિંચન કર્યું અને એની પ્રગતિની વચ્ચે આવતા દરેક પથ્થરને પગથિયામાં ફેરવતાં ગયા.

દેશભરમાં પ્રવાસ કરીને અખબારી આલમની નાડ પારખી. આખા પ્રેસમાં એક જ ટેલિફોન. દિવસે કાર્યાલયમાં કામમાં લે અને રાત્રે પોતાના નિવાસસ્થાને લઈ જાય. મોટરકાર પણ એક જ. દિવસે જાતે ડ્રાઇવ કરીને બધે પહોંચે અને રાત્રે ડ્રાઇવર રાખીને એમાં પાર્સલ મોકલાવે. અખબારના આર્થિક પાસાંમાં વિજ્ઞાાપન મહત્ત્વની હોવા છતાં અને માલેતુજારો મિત્રો હોવા છતાં ક્યારેય એમણે કોઇની પાસે વિજ્ઞાાપનની માગણી કરી નથી. એ માનતા કે છાપામાં તાકાત હશે તો જાહેરખબર આવતી રહેશે.

૮૦ વર્ષે જાતે કાર ચલાવતા
અખબારની ઑફિસમાં ફરતી વખતે ક્વચિત્ જ ચંપલ પહેર્યાં હોય. છેક એંસી વર્ષની ઉંમરે જાતે ગાડી ચલાવતા અને લિફ્ટને બદલે પગથિયાં ચડીને ત્રણ માળ સુધી જતા. 

શાંતિભાઈની સાદાઈ પણ અનોખી. એમણે ક્યારેય કાંડા ઘડિયાળ પહેર્યું નહોતું. એમનાં પત્ની વિમળાબહેનની નિર્મળતા અને ઉદાત્ત ભાવનાનો તેઓ હંમેશા આદર કરતા. જિંદગીના અંતે પણ એક નિર્મોહ ભાવ અનુભવતા હતા.

પ્રજાહૃદયનો નિર્ભીક અવાજ
ગુજરાતી પત્રકારત્વમાં પોતાની કર્મઠતા, દૂરંદેશી, સાધના અને સિદ્ધિથી નવા સીમાસ્તંભો રચનાર શાંતિભાઈ શાહનું જીવનકાર્ય આજે પણ વિશાળ અખબારી જગતમાં પ્રેરણાનું સ્થાન બની રહ્યું છે.

નવા વિષયોનું ખેડાણ કરવાની એમની સૂઝ, લેખકો અને સાહિત્યકારોની કટારો દ્વારા સંસ્કારિતાનું સંવર્ધન કરવાની ખેવના, વહેલી સવારથી મોડી રાત સુધી અખબારના તમામ પાસાંઓને માર્ગદર્શન આપવાનો એમનો ઉત્સાહ એ આજે પણ નવી પેઢીને રાહ ચીંધનારો બની રહ્યો છે.

શ્રી શાંતિભાઈના પ્રત્યેક શ્વાસમાં 'ગુજરાત સમાચાર' ધબકાર લેતું હતું. જીવનના ૫૫ કરતાં પણ વધુ વર્ષો તેઓ અખબાર જગત સાથે સંકળાયેલા રહ્યા અને ૪૬ વર્ષ સુધી 'ગુજરાત સમાચાર'ના તંત્રી તરીકે એમણે સક્રિય કામગીરી બજાવી. 'ગુજરાત સમાચાર'ને ગુજરાતનું મોખરાનું અખબાર બનાવવા માટે એમણે રાત-દિવસ પુરુષાર્થ કર્યો.

'ગુજરાત સમાચાર'ના ભવનમાં પ્રવેશતાં જ સામે ખુલ્લાં દરવાજાવાળા ખંડમાં એ બેઠા હોય. જાણે આમ જનતાના એક આદમી હોય એવી સાદાઈ, નિખાલસતા અને હૂંફ. જે અખબારી કચેરીમાં પ્રવેશે તેને એમનો ઉમળકાભર્યો અને વહાલસોયો આવકાર મળતો. લોકસંપર્કની અને મેનેજમેન્ટની એમની આ આગવી પદ્ધતિ હતી.

ખમીરવંતા પત્રકાર તરીકે પત્રકારના સ્વમાન અને ખમીરની એમણે હંમેશાં આરાધના કરી. ગુજરાતના લોકઆંદોલનો વખતે પ્રજાહૃદયના જુવાળને કોઇની ય શેહશરમ રાખ્યા વિના વાચા આપી. મહાગુજરાતની ચળવળ, નવનિર્માણનું આંદોલન કે અનામત આંદોલન સમયે 'ગુજરાત સમાચાર'ની મહત્ત્વની ભૂમિકા રહી. નર્મદા યોજનાને સાકાર કરવામાં એમણે ગુજરાતની પ્રજાનો બુલંદ અવાજ રાજકીય સ્તરે પ્રગટ કર્યો.

સમાચારોમાં કોઈ જ બાંધછોડ નહીં
પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને છેક અટલબિહારી બાજપેયી સુધીના રાજનેતાઓ સાથે એમને ઘરોબો હતો; પરંતુ એમણે પોતાના આગવા સ્વમાનથી કોઈ રાજપુરુષ કે રાજકીય પક્ષની વિચારધારાને ટેકો આપવાને બદલે અખબારની સ્વતંત્રતા અને વ્યવસાયની પવિત્રતા જાળવી હતી.

રાજપુરુષો સાથે અત્યંત ગાઢ અને આત્મીય સંબંધો હોવા છતાં એ ક્યારેય પોતાનું અંગત કામ લઇને એમની પાસે ગયા નહોતા. એ જ રીતે રાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિઓ સાથે સંબંધ હોવા છતાં એમણે ક્યારેય વિજ્ઞાાપન માટે માગણી કરી નહોતી. તેમજ વિજ્ઞાાપન મેળવવા માટે ક્યારેય કોઇની વિરુદ્ધ કશું લખાણ પ્રગટ કર્યું નહીં.

'ગુજરાત સમાચાર'ને પ્રજાનો અવાજ બનાવવા માટે એમણે વખત આવ્યે એક જમાનામાં સર્વેસર્વા ગણાતા શ્રી મોરારજી દેસાઈની નીતિ સામે અવાજ ઉઠાવ્યો હતો એટલું જ નહીં, પણ દ્વિભાષી રચના સમયે ભડકે બળતા અમદાવાદની તસ્વીરો પ્રગટ કરીને લોકોના ભભૂકેલા રોષને દર્શાવ્યો હતો.

'ગુજરાત સમાચાર'ને સળગાવી નાખવાનો પ્રયત્ન થયો, ત્યારે એમણે તદ્દન સ્વસ્થ રીતે, સમતા રાખીને એ મહાઆપત્તિનો સામનો કર્યો અને રાખમાંથી પુનઃસર્જન થાય, તેમ 'ગુજરાત સમાચાર'ને અગાઉ જેવું જ જીવંત અને ધબકતું કર્યું.

ઉભરતા લેખકોને તક 
પ્રતિષ્ઠિત લેખકોની કોલમોને સ્થાન આપવાની સાથોસાથ એમણે કેટલાય નવા લેખકોને તૈયાર કર્યા.

એક સમયે ગુણવંતરાય આચાર્ય પાસે અમદાવાદમાં રહેવા માટે ઘર નહોતું, ત્યારે શાંતિભાઈએ એમને 'ગુજરાત સમાચાર'ના મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ઉમાશંકર જોશી, ચંદ્રવદન મહેતા, જયભિખ્ખુ, જીવરામ જોશી, મધુસુદન પારેખ, પન્નાલાલ પટેલ, બકુલ ત્રિપાઠી, વાસુદેવ મહેતા, કુમારપાળ દેસાઈ, ચંદ્રકાન્ત શાહ, દેવેન્દ્ર પટેલ, જયવદન પટેલ જેવા કેટલાય કટાર લેખકોને એમણે હૂંફ અને સાથ આપ્યો.

સવારે ૮થી રાત્રે ૨ સુધીનો સંઘર્ષ
એમના જીવનની પુરુષાર્થગાથા તો વર્ષો સુધી પ્રેરણાદાયી બની રહેશે. વિજ્ઞાાપનના વ્યવસાયથી એમણે ૧૯૩૮માં પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો. એ સમયે તેઓ અખબારની કચેરીઓની મુલાકાતે જાય અને એના પ્રવાહોનો અભ્યાસ કરે. 

મુંબઇ કે કલકત્તા જાય ત્યારે માતબર ગણાતા અખબારની કચેરીમાં જઇને એની કાર્યપદ્ધતિનો અને એની અદ્યતન ટેકનોલોજીનો પરિચય કેળવતા હતા. એ સમયે રોજ સવારે આઠ વાગ્યે ઘરેથી નીકળતા અને રાત્રે બે વાગ્યે છપાયેલું અખબાર લઇને ઘેર પાછા આવતા.

સંઘર્ષના દિવસોમાં ૧૬થી ૧૮ કલાક સુધી અથાક પરિશ્રમ કરતા. અનેક જવાબદારીઓ પોતે નિભાવતા અને તેમની હાજરીથી કર્મચારીઓને ય ખંતથી કામ કરવાની પ્રેરણા આપતા.

દેવદર્શન પછી દિનચર્યાનો પ્રારંભ
એમની ધર્મભાવના પણ એવી કે રોજ સવારે દેરાસરમાં દર્શન કરીને જ પોતાની દિનચર્યાનો પ્રારંભ કરે. ઘર કરતાં દેરાસર વધુ સારું હોવું જોઇએ એવી ભાવનાથી એમણે શાલિભદ્રભાઈના નિવાસસ્થાને જાતે શિલ્પીઓ સાથે બેસીને માર્બલનું દેરાસર કરાવ્યું હતું. દર દિવાળીએ સર્જક જયભિખ્ખુ સાથે તીર્થયાત્રાએ જતા.

ઝગમગને અપાર લોકપ્રિયતા અપાવી
એક સમયે બાળસાપ્તાહિક 'ઝગમગ'ની લોકપ્રિયતા અને એની પચાસ હજાર નકલોનું વેચાણ આ ક્ષેત્રમાં સીમાસ્તંભરૂપ બની રહ્યું હતું. એક વખત એવો હતો કે ગુજરાત સમાચાર કરતા ઝગમગ સાપ્તાહિક વધુ વેંચાતું. થોડો વખત એવોય આવ્યો હતો કે ઝગમગની કમાણીમાંથી ગુજરાત સમાચારને ચલાવવામાં મદદ મળતી હતી.

રૂા.૧માં ૧ પુસ્તક સાથે વાંચન સંસ્કાર
શાંતિભાઈએ માત્ર એક રૂપિયામાં એક પુસ્તક આપવાનું આયોજન કર્યું અને એ રીતે એમણે અનેક ઐતિહાસિક અને સંસ્કારી પુસ્તકો ગુજરાતી પ્રજાને પહોંચાડયા. ઓછી કિંમતે પુસ્તકો આપીને તેમણે એક આખી યુવાપેઢીને વાંચતી કરી હતી.

સ્ત્રીઓ માટે 'શ્રી' સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. 'બુલબુલ' અને 'ચિત્રલોક' જેવી પૂર્તિઓ અને સાપ્તાહિકની સૌ પ્રથમ શરૂઆત કરી. ક્રિકેટની પૂર્તિ ઉપરાંત એના 'ક્રિકેટ જંગ' નામે વિશિષ્ટ અંકોનું પ્રકાશન કર્યું. એમના દરેક નવપ્રસ્થાનની સાથે, વાચકોની નાડ પારખવાની એમની આવડત દેખાતી  હતી.

સમાજસેવાના કાર્યો
શાંતિભાઈએ અનેક સંસ્થાઓમાં યોગદાન આપ્યું. એનિમલ હેલ્પલાઇન, એમ્બ્યુલન્સ અને પાંજરાપોળ કરી, પણ ક્યાંય પોતાનું નામ રાખ્યું નહીં. જીવનના અંતે પણ તેમણે પરિવારજનોને એમ કહ્યું હતું કે લાંબુ, સ્વસ્થ આયુષ્ય ભોગવ્યું છે.  સંપત્તિનો સમાજકાજે સદ્ઉપયોગ પણ કર્યો છે અને તેથી પોતાના અવસાન બાદ કોઈ આયોજનો કે સ્મારક નહીં કરવાની સંતાનોને શીખ આપી હતી. 

વળી પોતાની હાજરીમાં આવનારી પેઢીને અખબારની ધૂરા સોંપીને એમણે એમના વિશાળ અને ઉદાર હૃદયનો પરિચય કરાવ્યો હતો.

શાંતિભાઈએ ક્યારેય કોઇનીયે સાથે માલિક જેવું વર્તન કર્યું નથી. સૌ કોઈ એમને 'શેઠ' કહે; પરંતુ એ એવા શેઠ હતા કે જેમની પાસે બધા સ્નેહપૂર્વક પહોંચી જતા. પત્રકારો કે લેખકોને એમની આપત્તિના સમયે માત્ર હૂંફ જ આપી નથી; પરંતુ આર્થિક સહાય પણ કરી છે.

એમના પ્રત્યેક શ્વાસમાં 'ગુજરાત સમાચાર' ધબકાર લેતું હતું અને આથી તો એમની છેલ્લી માંદગી સમયે હોસ્પિટલમાં જતાં પૂર્વે 'ગુજરાત સમાચાર'માં આવીને એમણે દિવસભરના છેલ્લામાં છેલ્લા સમાચારોની માહિતી પ્રાપ્ત કરી હતી અને પત્રકારોને મળીને વિદાય લીધી.

છેલ્લે હૉસ્પિટલમાં પણ એ સતત 'ગુજરાત સમાચાર' વિશે પૃચ્છા કરતા હતા અને કહેતા હતા કે મારે હજી ગુજરાત સમાચારમાં જવું છે. એ પુનઃ 'ગુજરાત સમાચાર'માં પાછા આવી શક્યા નહીં, કિંતુ 'ગુજરાત સમાચાર'ના અણુએ અણુમાં આજે પણ શ્રી શાંતિભાઈ શાહનો ઉમળકાભર્ર્યો અવાજ એમનો ત્વરિત પગરવ, પત્રકારો સાથેની મીઠી અલપઝલપ વાતચીત ગૂંજે છે.

કેટલીય વ્યક્તિની વિશેષતા અને મહત્તા એમની વિદાય પછી જ રાજ્ય, સમાજ અને સ્વજનોને સમજાય છે. આજે ય કેટલા બધા જીવંત, પથદર્શક અને પ્રેમાળ લાગે છે!

-કુમાર૫ાળ દેસાઈ

રાજકપૂરે કહ્યું: ગુજરાત સમાચાર મેરા દૂસરા ઘર હૈ

ચિત્રલોક સિને સર્કલ દ્વારા આગવા કાર્યક્રમો આપ્યાં  એટલું જ નહીં, પણ સ્વયં રાજકપૂર જેવા અભિનેતા એમ કહેતાં કે 'ગુજરાત સમાચાર' મેરા દૂસરા ઘર હૈ. આની સાથોસાથ રવિવારની પૂર્તિ અને બુધવારની 'શતદલ' પૂર્તિ શરૂ કરી. જેની સાથે સાહિત્ય અને સંસ્કારની સામગ્રી આપવાનો  આશય રાખ્યો.

દુકાનદારે શ્રદ્ધાંજલિ આપવા કવિતા લખી
છેલ્લાં દસ વર્ષ એમણે જે પગાર લીધો તે પગાર ઘરમાં આપવાને બદલે ગરીબોને વહેંચી આપ્યો હતો. આથી શાંતિભાઈનું અવસાન થયું, ત્યારે એક સામાન્ય દુકાનદાર આવ્યો અને એણે એમ કહ્યું કે મેં શાંતિભાઈ વિશે એક કવિતાની રચના કરી છે, તે શ્રદ્ધાંજલિરૂપે આપવા માટે આવ્યો છું.

 કારણ જણાવતાં એણે કહ્યું કે ૧૯૬૨માં  પંડિત જવાહરલાલ નહેરુ અહીં આવ્યા હતા અને શાંતિભાઈ જેટલા આનંદથી નહેરુને મળ્યા હતા, એટલા જ આનંદથી એમણે મારા ખભા પર હાથ મૂક્યો હતો, તે હજી હું ભૂલ્યો નથી

નાના ઉદ્યોગોને પ્રોત્સાહન
એ જમાનામાં કાથા અને ચૂનાની પણ જાહેરાતો અખબારોમાં આવતી. શાંતિદાદા નાના વેપારીઓને પ્રોત્સાહન  આપવા એમની જાહેરાતો પણ અખબારમાં લાવતા. ક્યારેક તો કોઇ ચૂનાવાળો જાહેરખબરનું 

બિલ ચૂકવવા આવે, ત્યારે નોટને બદલે  સિક્કાઓનો ઢગલો કરતો! શાંતિદાદા એમાંથી  જાહેરખબરની રકમ લઇને બાકીની નગદ રકમ એને ગણી આપતા. એમનો એવો કોઈ આગ્રહ ન રહેતો કે બિલ નોટમાં  જ ચૂકવવું. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે એ તેમનો મૂળ હેતુ હતો.

Gujarat