Gujarat

પૂર્વ MLA નલીન કોટડિયા, SP જગદીશ પટેલ સહિત 14ને જન્મટીપ

By GS TEAM
30 Aug 20253 mins read
પૂર્વ MLA નલીન કોટડિયા, SP જગદીશ પટેલ સહિત 14ને જન્મટીપ

- ગુજરાતના પ્રથમ હાઇપ્રોફાઇલ બિટકોઇનકાંડ કેસમાં એસીબી કોર્ટનો ચુકાદો

- 547 પાનાના ચુકાદામાં કોર્ટના ગંભીર અવલોકનો : સજાને પગલે ગુજરાતના રાજકારણ, પોલીસ બેડા અને બિટકોઇન વર્તુળમાં ખળભળાટ

અમદાવાદ : વર્ષ ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી ૨૦૦ બિટકોઇન પડાવી લઇ રૂ.૩૨ કરોડથી વધુની ખંડણી માંગવાના ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા રાજયના પહેલા બિટકોઇન કાંડ કેસમાં અત્રેની સ્પેશ્યલ એસીબી કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે પૂર્વ ધારાસભ્ય નલીન નાનજીભાઇ કોટડિયા, પૂર્વ આઇપીએસ જગદીશ અરવિંદભાઇ પટેલ, એલસીબી પીઆઇ અનંત પટેલ સહિત ૧૪ આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. એસીબી સ્પેશ્યલ જજ બી.બી.જાદવે ૫૪૭ પાનાનો અતિ લંબાણપૂર્વકના ચુકાદાના અંતે અતિ હાઇપ્રોફાઇલ એવા આ કેસમાં ૧૪ આરોપીઓને જન્મટીપની સજા ફટકારતાં ગુજરાતના રાજકારણ, પોલીસ બેડા સહિત બિટકોઇન વર્તુળમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. 

ચકચારભર્યા બિટકોઇન તોડકાંડ અને અપહરણ કેસમાં અમરેલી જિલ્લાના તત્કાલીન પોલીસ વડા જગદીશ અરવિંદભાઇ પટેલ, અમરેલી એલસીબીના તત્કાલીન પીઆઇ અનંત પટેલ, એડવોકેટ કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા સહિત કુલ પંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એક માત્ર જતીન પટેલ નામની વ્યકિતનો નિર્દોષ છૂટકારો થયો છે. નોંધનીય છે કે, નલીન નાનજીભાઇ કોટડિયા વર્ષ ૨૦૧૨માંજીપીપીમાંથી ધારી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ચકચારભર્યા બિટકોઇન કેસનો ટ્રાયલ ચાલી જતાં આ કેસમાં ખાસ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નીમાયેલા સ્પશ્યલ પીપી અમિત પટેલ અને અધિક સરકારી વકીલ વર્ષા કે.રાવે ૧૭૩ સાક્ષીઓ અને ૨૯૦ દસ્તાવેજી પુરાવાઓના આધારે અગત્યની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આ રાજયનો સૌથી પહેલો અને ચકચારી એવો બિટકોઇન તોડકાંડ અને અપહરણનો કેસ છે, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડી, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ સહિતના લોકો સંડોવાયેલા છે. આરોપીઓએ કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાનો પોતાનો ઇરાદો પાર પાડવા શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેને ફાર્મ હાઉસમાં ગોંધી રાખી રિવોલ્વરની અણીએ તેની પાસેથી બળજબરીપૂર્વક બિટકોઇન પડાવી લઇ અને રૂ.૩૨ કરોડથી વધુની ખંડણી માંગી હતી. અપહરણ વખતે શૈલેષ ભટ્ટને પોલીસ દ્વારા માર મરાયાનો પણ ગંભીર આરોપ છે. આરોપીઓએ વિવિધ આંગડિયા પેઢી મારફતે કરોડો રૂપિયાની રકમનો તોડ કર્યો છે અને કેસના પુરાવા અને દસ્તાવેજોના આધારે સમગ્ર ગુનાહિત કૃત્ય પુરવાર થાય છે. આ એક હાઇપ્રોફાઇલ કેસ હોઇ અદાલતે તેને સહેજપણ હળવાશથી લેવો જોઇએ નહી અને સમાજમાં એક દાખલો બેસાડવા કાયદામાં નિર્દિષ્ટ જોગવાઇ મુજબ, મહત્તમ સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ એસીબી કોર્ટે ઉપરોકત ચુકાદો જાહેર કર્યો હતો. 

શું હતો બિટકોઇન તોડકાંડ અને અપહરણનો ચકચારભર્યો કેસ....??

૨૦૧૮ માં સુરતના બિલ્ડર શૈલેષ બાબુભાઈ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો કેસ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. 

એક ફાયનાન્સ કંપનીમાં કરેલા બિટકોઈન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. તેથી તેણે આ કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગ્યા હતા. ત્યારપછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું ગત તા.૧૧-૨-૨૦૧૮ના રોજ ગાંધીનગરથી અપહરણ કર્યું હતુ અને તેને કેશવ ફાર્મ હાઉસમાં ગોંધી રાખી રૂ.૯ કરોડની કિંમતના ૧૭૬ બિટકોઇન ટ્રાન્સફ કરીને ૩૪ બિટકોઇન વેચાણ કરી રૂ.૨.૩૫ કરોડ રોકડમાં આંગડિયા મારફતે ટ્રાન્સફર કર્યા હતા. આ સમગ્ર મામલે શૈલેષ ભટ્ટની ફરિયાદમાં સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાતાં આખરે આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, અમરેલી એસપી જગદીશ પટેલ, એલસીબી પીઆઇ અનંત પટેલ સહિત ૧૫ આરોપીઓની ધરપકડ કરી તેઓની વિરૂધ્ધમાં કુલ છ ચાર્જશીટ દાખલ થયા હતા. 

બિટકોઇન કાંડ કેસની તવારિખ 

- બિટકોઇન કાંડ કેસમાં તા.૮-૪-૨૦૧૮ના રોજ એફઆઇઆર દાખલ થઇ હતી. 

- તપાસનીશ એજન્સી દ્વારા આ કેસમાં તા.૫-૭-૨૦૧૮માં કુલ ૧૫ આરોપીઓ વિરૂદ્ધ દળદાર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું - આરોપીઓ વિરૂધ્ધ તા.૨૨-૩-૨૦૨૧ના રોજ ચાર્જ ફ્રેમ કરાયો હતો

- તા.૨૨-૬-૨૦૨૧ના રોજ પુરાવાની શરૂઆત થઇ હતી

- લગભગ સાત વર્ષ સુધી કેસનો ટ્રાયલ ચાલ્યો હતો

- ખૂબ જ મહત્ત્વના એવા કેસની અંતિમ દલીલો ત્રણ મહિના સુધી ચાલી હતી

- ટ્રાયલ કોર્ટે તા.૩૧-૭-૨૦૨૫ના રોજ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો

- તા.૨૯-૮-૨૦૨૫ના રોજ ટ્રાયલ કોર્ટે આ કેસના ૧૪ આરોપીઓને જન્મટીપની સજા ફટકારતો ચુકાદો સંભળાવ્યો