આણંદ જિલ્લામાં 10 દિવસથી જન્મ- મરણના દાખલાની કામગીરી ઠપ

- સીઆરએસ પોર્ટલ અપડેટ કરાતું હોવાથી હાલાકી
- કરમસદ આણંદ મનપા સહિત પાલિકાઓ અને પંચાયતોએ હજારો અરજદારો ધક્કા ખાવા મજબૂર
સરકારી કામ સહિત અન્ય કામોમાં ઉપયોગી એવા જન્મ અને મરણના દાખલા તથા તેમાં સુધારા અને ફેરફાર સહિતની તમામ વિગતો માટે આણંદ જિલ્લામાં કાર્યરત તમામ કચેરીઓમાં કામકાજ છેલ્લા ૧૦ દિવસથી ઠપ થઈ ગયું છે. જિલ્લાભરના અરજદારો દાખલાઓ માટે જ્યારે કચેરીઓમાં જાય છે ત્યારે અત્યારે દાખલો નહીં મળે માત્ર અરજી કરવી અને ત્યારબાદ ૩૦ દિવસ પછી આવજો તેવા જવાબો મળી રહ્યા છે. જેથી જરૂરિયાત મંદ અરજદારોને હાલ તકલીફો ઊભી થઈ રહી છે.
અરજદારોના જણાવ્યા મુજબ, પરિવારજનના મૃત્યુનો દાખલો તેમના માટે જરૂરી છે પરંતુ, દાખલો મળતો ના હોવાથી બેંક, વીમા, પેઢીનામા સહિત અન્ય કામોમાં હાલ મુશ્કેલી પડી રહી છે. જન્મ તથા જન્મ તારીખના દાખલામાં નામોની સુધારણા તેમજ અટક પાછળ લખવાની કામગીરી પણ હાલ બંધ થઈ ગઈ હોવાથી લોકો તકલીફમાં મૂકાઈ રહ્યા છે.
સીઆરએસ પોર્ટલમાં હાલ નવા ડેટાની એન્ટ્રી માટે નવું સોફ્ટવેર બનાવવામાં આવી રહ્યું હોવાથી તમામ સ્થળોએ જન્મ મરણના દાખલાનું કામ હાલ બંધ રાખવામાં આવેલું છે. પોર્ટલ અપડેટ થઈ જશે એટલે તુરંત જ નવા દાખલા બનાવવાની કામગીરી શરૂ કરાશે. અરજી કરેલાને ફોન- મેસેજથી જાણ કરાશે તેમ આણંદના વહીવટી તંત્રએ જણાવ્યું છે.








