બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો
બોબી પટેલના કબુતરબાજીનો મામલો
બનાવટી પાસપોર્ટનો કેસ થતા અઢી વર્ષ પહેલા અમેરિકાથી સીમ કાર્ડ મંગાવ્યું હતું ઃ એસએમસીએ તપાસ શરૂ કરી
અમદાવાદ,રવિવાર
ગુજરાતના સૌથી મોટા કબુતર બાજીના કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિજાપુરથી ઝડપાયેલા બિપિન દરજીની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં તે પોલીસથી બચવા માટે અમરિકા સીમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. જેથી પોલીસ તેને ટ્ેક કરી શકતી નહોતી અને તે અલગ અલગ રાજ્યમાં છુપાતો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ કબુતરબાજીના કેસમાં બાતમીના આધારે વિજાપુર પાસેથી બિપિન દરજી નામના આરોપીને ઝડપી લીધો હતો. બિપિન દરજી કબુતરબાજીના કેસના માસ્ટર માઇન્ડ બોબી પટેલ માટે એજન્ટ અને ભાગીદાર તરીકે કામ કરતો હતો. જેમાં તેણે અનેક લોકોને અમેરિકા સહિતના દેશોમાં બનાવટી પાસપોર્ટ સાથે મોકલવાના નામે લાખો રૂપિયા મેળવીને બોબી પટેલ સાથે મળીને સૌથી મોટુ કૌભાંડ આચર્યુ હતું.
પોલીસે બિપિન દરજીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સોલામાં કબુતર બાજીનો ગુનો દાખલ થતા તેણે વિદેશમાં નાસી જવાની તૈયારી કરી હતી. પરંતુ, પોલીસ દ્વારા લુક આઉટ નોટીસ ઇસ્યુ કરવામાં આવતા તે ગુજરાતની બહાર જતો રહ્યો હતો અને પોલીસથી બચવા માટે તેણે તેના એક મિત્ર પાસેથી અમેરિકાથી સીમ કાર્ડ મંગાવ્યું હતું અને જેથી પોલીસ તેને ટ્રેક કરી શકતી નહોતી. પરંતુ, વિજાપુરમાં આવ્યો હોવાની બાતમી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.