ધંધુકા GIDC માં બાયોકોલના કાચા માલમાં વિકરાળ આગઃ 1500 ટન જથ્થો બળીને ખાક
- ફેકટરીની સામેના ખેતરમાં પડેલાં બળતણમાં લાગેલી આગથી કાળા ડીબાંગ વાદળો સર્જાયા
- જલદ પદાર્થની સાથે પવનની ઝડપના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ધંધુકા ઉપરાંત અન્ય ત્રણ તાલુકાની ફાયર ટીમે મહા મહેનતે આગ કાબૂમાં લેતાં મોટી દૂર્ઘટના ટળી
બનાવની વિગત એવી છે કે, ધંધુકા જીઆઈડીસીમાં બાયોકોલ બનાવતી મારૂતિ બાયોકોલ કંપનીએ તેની ફેક્ટરીની સામેના ભાગે આવેલાં અંદાજે ૭.૫ વિધાના વિશાળ ખેતરમાં બળતણ માટે રાખેલાં કાચામાલમાં ગત શનિવારે બપોરના સુમારે આગ લાગી હતી. ખેતરમાં પડેલો કાચો માલ જવલનશીલ હોવાની સાથોસાથ પવનની ઝડપ પણ વધુ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લિધું હતું.આગ એ હદે વિકરાળ બની ગઈ હતી કે, આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા હતા. આ તરફ,આગના કારણે કંપનીની સામે અને બાજૂમાં આવેલી કંપનીઓ સહિત સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે,થોડા સમય માટે આગ પર કાબૂમાં લેવાતાં રાહત અનુભવાઈ હતી. પરંતુ, બાદમાં ફરી આગ વિકરાળ બનતાં ધંધુકા ફાયર બ્રિગેડને જાણ કરાતાં ધંધુકા મામલતદાર અને ફાયર ટીમ સહિતનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.જયારે,આગની વિકરાળતાં જો તાં ધંધુકા ઉપરાંત,ધોળકા,બરવાળા અને બોટાદ ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી. જો કે, આગના સ્થળની આસપાસ કેમિકલ અને કોટનની જીન હોવાથી ફાયર ટીમે વિવિધ બાઉઝર મારફતે કંપનીની બોર્ડર પર પાણીનો છંટકાવ કરી આગને આગળ વધતી અટકાવી હતી. તો, બીજી તરફ કાચા માલમાં વધતી આગને અટકાવવા સ્થાનિકો અને ફાયરની અન્ય ટીમ દ્વારા સતત પાણીનો છંટકાવ કરાયો હતો. આખરે અંદાજે ૨૦ કલાકની ભારે જહેમતના અંતે આગ કાબૂમાં આવી હોવાનું સતાવાર સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું. જયારે, આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જયારે, આ વિકરાળ આગમાં લાખ્ખોની કિંમતનો અંદાજે ૧૫૦૦ ટન કાચો માલ બળીને ખાક થઈ ગયો હોવાનું ફેકટરીના માલિક કૌશિક પટેલે દાવા સાથે જણાવ્યું હતું. જયારે, આ બનાવમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને ફેકટરી માલિકે રાહત અનુભવી હતી.
આગના સ્થળની આસપાસ કેમિકલ અને કોટન જીન હોવાથી ફેકટરી માલિકોના જીવ તાળવે ચોંટયા : ફાયર, સ્થાનિકોની રાતભર મહેનતના અંતે 20 કલાકે આગ કાબૂમા
આગની બાજૂની જીનમાં આગનું છમકલું, પાણી છાંટી કાબૂમાં લેવાઈ
જયાં આગ લાગી હતી તેની આસપાસમાં કેમીકલ કંપની અને કોટન જીન આવેલા છે. જેમાં કોટન મીલમાં પડેલા કપાસના એક ઢગલામાં આગ લાગતાં ફેક્ટરીના કર્મચારીઓ અને સ્થઆનિકોએ પાણી છાંટી આગને બૂઝાવી દિધી હતી. સદ્દનસીબે આ સ્થલે પણ આગ કાબૂમાં આવતાં આગની અન્ય એક મોટી દૂર્ઘટના થતાં અટકી હતી.
ધંધુકા જીઆઈડીસીમાં માળખાગત સુવિધાનો અભાવ
વર્ષો પૂર્વે ધંધુકાના રાણપુર રોડ પર ધંધુકા જીઆઈડીસીનું નિર્માણ થયું હતું જયાં હાલ ૭૦થી વધુ એકમો કાર્યરત છે અને બે વિભાગમાં વિશાળ જીઆઈડીસી વિસ્તરાયેલી છે ત્યારે આ ઔદ્યોગિક વિસ્તારમાં સુવિધાનો સંપુર્ણ અભાવ જોવા મળે છે આ જીઆઈડીસી પાસે ૧ લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી છે જે ક્યારે પણ ચાલુ થઈ જ નથી અને હાલએ બિસ્માર હાલતમાં છે.
પાલિકા પાસે તાલિમબદ્ધ ફાયર સ્ટાફનો અભાવ, સાધનો ધૂળ ખાય છે
ધંધુકા નગરપાલિકા પાસે પુરતા પ્રમાણમાં ફાયરના સાધનો તથા વાહનો છે પરંતુ જાળવણીના અભાવે આ સાધનો તથા વાહનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. ધંધુકા પાલિકા પાસે બે મોટા ફાયર બાઉઝર મશીન છે.પરંતુ જાળવણીના અભાવે તે સંપુર્ણ બંધ હાલતમાં શાખાજીન તેમજ ધંધુકા પાલિકા ખાતે પડયા છે. માત્ર નાનું એક બાઉઝર માત્ર કાર્યરત છે જે આવી મોટી દૂર્ઘટના સામે ટકી શકવાની ક્ષમતા જ નથી.વળી ધંધુકા પાલિકા પાસે ફાયરનો તાલીમબદ્ધ સ્ટાફ પણ નથી.