Get The App

બિલોદરા ફાટક અકસ્માત ઝોન બન્યું : એક જ મહિનામાં 400 થી વધુ વાહનચાલકો પટકાયા

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
બિલોદરા ફાટક અકસ્માત ઝોન બન્યું : એક જ મહિનામાં 400 થી વધુ વાહનચાલકો પટકાયા 1 - image

- નડિયાદ-મોડાસા હાઈવે પર આવેલું 

- રેલવે પાટા વચ્ચેનું રબર કોટિંગ બેસી જતાં ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થતા હોવાથી રોષ : સમસ્યા ઉકેલવા માંગ

નડિયાદ : નડિયાદ અને મોડાસાને જોડતા વ્યસ્ત રાજ્ય ધોરી માર્ગ પર બિલોદરા જેલ પાસે આવેલું રેલવે ફાટક વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. છેલ્લા ૧ મહિનામાં આ ફાટક પરથી પસાર થતા ૪૦૦ જેટલા ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈને પટકાતા શારીરિક ઈજાઓનો ભોગ બન્યા છે. રેલવે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં ખામી હોવા છતાં તેનું સમારકામ કરવામાં ન આવતા સ્થાનિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નડિયાદ-કપડવંજ-મોડાસા ટ્રેન કોરોના કાળથી બંધ હોવા છતાં બિલોદરા પાસે આવેલું આ ફાટક વાહનચાલકો માટે મુસીબતનું કેન્દ્ર બન્યું છે. આ માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં ભારે વાહનો અને દ્વિચક્રી વાહનોની અવરજવર રહે છે. રેલવે વિભાગ દ્વારા આ ફાટક પરના બે પાટા વચ્ચે રબરનું કોટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં આ કોટિંગ નીચે બેસી ગયું છે. જેના કારણે રેલવેના પાટા અને રબર શીટ વચ્ચે ગેપ પડી ગઈ છે. આ ગેપને કારણે ટુ-વ્હીલર લઈને પસાર થતા ચાલકોના ટાયર ફસાઈ જાય છે અથવા સ્લિપ થઈ જાય છે, પરિણામે ચાલકો રસ્તા પર પટકાય છે. છેલ્લા ૩૦ દિવસમાં અહીં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. વાહન સ્લિપ થવાના કારણે અનેક લોકોના હાથ-પગમાં ઈજાઓ થઈ છે અને વાહનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. 

આ મામલે સ્થાનિકોએ રેલવે વિભાગને અનેકવાર રૂબરૂ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી વડોદરા ડિવિઝન દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વાહનચાલકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ અકસ્માત ઝોન બની ગયેલા ફાટકનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સમતલ વ્યવસ્થા કરવા અમારી માંગણી છે : સ્થાનિક

નડિયાદ-મહુધા-મોડાસા લાઈનમાં આ ૧૦ નંબરનો રેલવે ફાટક છે, અહીંયા અવાર નવાર ટુ-વ્હીલર ચાલકો, વિદ્યાર્થીઓ, માલ-સામાન લઈને જતા લોકો સહિત અહીંથી પસાર થતા લોકો હેરાન થાય છે. તંત્રને અમારી રજૂઆત છે કે, અહીંયા રબરના બ્લોક અને રેલવે વચ્ચે લેવલીંગ ન હોવાના કારણે આ સમસ્યા સર્જાય છે. જેથી અહીંયા આર.સી.સી. અથવા સમતલ લેવલની વ્યવસ્થા કરવા અમારી માંગણી છેઃ અનિલ પટેલ, સ્થાનિક

માસિક 450 લોકો અકસ્માતનો ભોગ બને છેઃ સ્થાનિક

આ મુખ્ય રોડ પર ટુ-વ્હીલર પસાર થતા સમયે રોડનું લેવલ મિસમેચ હોવાના કારણે રોજના ૧૫થી ૨૦ જેટલા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. સ્લીપ ખાઈ જાય છે. જેમાં લોકોને નાની-મોટી ઈજા થાય છે. મહિને ૪૫૦ જેટલા આવા કેસ બને છે, જેથી તંત્ર દ્વારા આ મામલે તાકીદે યોગ્ય નિર્ણય લેવાય તેવી અમારી માંગણી છેઃ ધર્મેન્દ્રકુમાર, સ્થાનિક