સીજી રોડ પર કારના કાચ તોડીને ૨૫ લાખની રોકડ ભરેલી બેગની ચોરી
બે યુવકો આંગડીયા પેઢીથી પીછો કરતા હતા
સીસીટીવીના આધારે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી પાર્કિગમાં કારના તોડીને ચોરી થતા અનેક પ્રશ્નો ઉભા થયા
અમદાવાદ,બુધવાર
શહેરના સીજી રોડ પર આંગડિયા પેઢીથી ૨૫ લાખની રોકડ લઇને જતા વેપારીની કારના કાચ તોડીને બાઇક પર આવેલા બે યુવકોએ રોકડ ભરેલી બેગની ચોરી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. સીસીટીવી ફુટેજ તપાસ કરતા બંને બાઇક સવાર સીજી રોડ સુવર્ણકલા કોમ્પ્લેક્સથી કારનો પીછો કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
બોપલમાં આવેલા આરોહી એલીગન્સમાં રહેતા અમિત દોંગાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે સાણંદ ખાતે પેસ્ટીસાઇડ બનાવવાની ફેક્ટરી ધરાવે છે.મંગળવારે બપોરે તેમના પાર્ટનરે ફોન કરીને ધંધાકીય હિસાબના રૂપિયા ૨૫ લાખ સીજી રોડ નવરંગપુરા સુવર્ણાકલા કોમ્પ્લેક્સમાં આવેલી ઇશ્વર સોમા આંગડીયાની પેઢીમાં લેવા જવા માટેનું કહ્યું હતું. જેથી ૨૫ લાખની રોકડ લઇ કાર લઇને ઓફિસ જવા નીકળ્યા હતા. ત્યારબાદ તેમને એક બેંકમાંથી કોક્યુમેન્ટ લેવાના હોવાથી પંચવટી સર્કલ પાસે પાકિગમાં કાર મુકીને બેંકમાં ગયા હતા.
લગભગ ૧૦ મિનિટ બાદ તે પરત આવ્યા ત્યારે જોયુ તો કારનો કાચ તુટેલો હતો અને તેમાંથી ૨૫ લાખની રોકડ ભરેલી બેગ નહોતી. આ અંગે પાર્કિગમાં નોકરી કરતા વ્યક્તિએ જણાવ્યું હતું કે બાઇક પર બે યુવકો આવ્યા હતા. તેમણે કાચ તોડીને બેગની ચોરી કરી હતી. આ સમયે તે વ્યક્તિએ બુમાબુમ કરતા કેટલાંક લોકોએ બાઇકનો પીછો કર્યો હતો. પરંતુ, તે ફરાર થઇ ગયા હતા.
આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાઇક પર આવેલા બંને શખ્સો આંગડિયા પેઢીની ઓફિસથી કારનો પીછો કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.