Gujarat

મિલન સિનેમા પાસે ડ્રેનેજ લાઇની ખોદી પુરાણ નહીં કરતા બાઇક ચાલકો પટકાયા

By GS TEAM
22 Mar 20261 min read
મિલન સિનેમા પાસે ડ્રેનેજ લાઇની ખોદી પુરાણ નહીં કરતા બાઇક ચાલકો પટકાયા

- સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન વિભાગની ઘોર બેદરકારી

- 5 દિવસ અગાઉ ડ્રેનેજની કામગીરી બાદ ખાડા પુરવાનું ભૂલી જતા અકસ્માત ઝોન બન્યો : રિપેરીંગ હાથ ધરવા માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-વઢવાણ મુખ્ય માર્ગ પર મિલન સિનેમા નજીક મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલું અધૂરું કામ હવે અકસ્માતનું કારણ બની રહ્યું છે. ડ્રેનેજની સમસ્યા દૂર કરવા માટે પાંચ દિવસ અગાઉ અહીં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ ખાડાઓનું યોગ્ય પુરાણ કે રસ્તાનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી. 

પાલિકાને સૌથી મોટું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં, કામ શરૂ કરીને અધવચ્ચે છોડી દેવાની નીતિને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુખ્ય માર્ગ હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે, પરંતુ ખુલ્લા છોડાયેલા ખાડાઓને કારણે અત્યાર સુધીમાં ૧૦થી વધુ બાઇક ચાલકો સ્લિપ થઈને પટકાયા છે. વાહનચાલકોને શારીરિક ઈજાઓ પહોંચવા સાથે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. આજુબાજુના વેપારીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે રસ્તો બિસ્માર હોવાથી ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી. અધિકારીઓ આ ગંભીર બેદરકારી અંગે કોઈ સંતોષકારક જવાબ આપી રહ્યા નથી. જાગૃત નાગરિકો અને વેપારીઓએ માંગ કરી છે કે તંત્ર જાગે અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે.