Get The App

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર 'હિટ એન્ડ રન'ની ઘટનામાં સ્કોર્પિયોની અડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર 'હિટ એન્ડ રન'ની ઘટનામાં સ્કોર્પિયોની અડફેટે બાઈક ચાલકનું કરુણ મૃત્યુ 1 - image

Jamnagar Accident : જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતોની હારમાળા અવિરત ચાલુ રહી છે, અને વધુ એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ફલ્લા નજીક બાઇક પર રસ્તો ઓળંગી રહેલા બુઝુર્ગને એક સ્કોર્પિયો કારના ચાલકે કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રભાતભાઈ રવાભાઇ બાલસરા નામના 60 વર્ષના બુઝુર્ગ કે જેઓ પોતાનું મોટરસાયકલ લઈને ગઈકાલે સવારે 10.00 વાગ્યાના અરસામાં જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ફલ્લા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, અને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.

 જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 25 બી.એમ 6040 નંબરની સ્કોર્પિયો કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી અડફેટમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં બાઈક ચાલક પ્રભાતભાઈ બાલસરાને હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 મૃતકના પુત્ર સુરેશ પ્રભાતભાઈ બાલાસરાએ જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.