કેશોદ નજીક આખલો આડે ઉતરતાં બાઈકચાલક વેપારીએ જીવ ગુમાવ્યો

રખડતા પશુના કારણે વધુ 1 વ્યક્તિનો ભોગ લેવાયો : વેપારી મિત્રો કાપડની ખરીદી કરવા જૂનાગઢ આવી રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત
જૂનાગઢ, : કેશોદમાં રહેતા વેપારી મિત્રો ગત રાત્રિના જૂનાગઢ તરફ આવી રહ્યા હતા ત્યારે જૂનાગઢ રોડ પર આવેલી હોટલ નજીક રસ્તામાં આખલો ઉતરતા બાઈક તેની સાથે અથડાયું હતું જેમાં બાઈકચાલક વેપારીનું મોત થયું હતું જ્યારે તેના મિત્રને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. રખડતા પશુના કારણે રાહદારીઓ ભોગ બનતાં હોવાથી તંત્રની બેદરકારી સામે લોકરોષ ભભૂકી રહ્યો છે.
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદના પલ્લવીનગર વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા સુનિલભાઈ રાજુભાઈ ચાવડ (ઉ.વ. 35) અને તેના મિત્ર અશ્વિનભાઈ કિશોરભાઈ કરમટા (ઉ.વ. 25) નામના બે વેપારી ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યે બાઈક પર કેશોદથી જૂનાગઢ કાપડની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. બંને મિત્રો જૂનાગઢ રોડ પર આવેલી હોટલ પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં એક આખલો ઉતર્યો હતો. આખલો અશ્વિનભાઈના ધ્યાનમાં આવ્યો ન હતો. બાઈક સ્પિડમાં હોવાથી આખલા સાથે અથડાઈ ગયું હતું, જેમાં બંને મિત્રો ફંગોળાઈ ગયા હતા. અશ્વિનભાઈને માથામાં તથા મોં પર ગંભીર ઈજા થતા તે બેભાન થઈ ગયા હતા, જ્યારે સુનિલભાઈને સામાન્ય ઈજા થઈ હતી. 108માં બંનેને કેશોદ સારવારમાં ખસેડાયા હતા જ્યાંથી અશ્વિનભાઈને રિફર કરી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.