Get The App

કારની ટક્કરથી ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્યું

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
કારની ટક્કરથી ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્યું 1 - image

- સંતોકપુરા ગામ પાસે અકસ્માત 

- ઈજાગ્રસ્તને પેટલાદ બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા, કાર ચાલક સામે ગુનો 

આણંદ : બોરસદ-પેટલાદ રોડ ઉપર આવેલા સંતોકપુરા ગામ નજીક મંગળવારે સમી સાંજના પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારના ચાલકે એક બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પેટલાદ તાલુકાના પાળજ ગામના મહેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલા મંગળવારે સાંજના સુમારે પોતાનું બાઈક લઈને બોરસદથી પાળજ ગામે જવા નીકળ્યા હતા. દરમિયાન બોરસદ-પેટલાદ રોડ ઉપર આવેલા સંતોકપુરા ગામ નજીકના ખોડીયાર માતાના મંદિર પાસેથી તેઓ પસાર થઈ રહ્યાં હતા, ત્યારે પેટલાદ તરફથી પુરપાટ ઝડપે આવી ચડેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર મહેન્દ્રભાઈ રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા જાણ કરાતા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રભાઈ વાઘેલાને ૧૦૮ મારફતે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. આ બનાવ અંગે ભાવેશભાઈ મહેન્દ્રભાઈ વાઘેલાએ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.