વડોદરા,નર્સિંગની વિદ્યાર્થિનીનો બાઇક પર તેના ઘર સુધી પીછો કરી હેરાન કરતા આરોપી સામે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આજવા રોડ વિસ્તારમાં રહેતા અને નર્સિંગનો અભ્યાસ કરતી ૧૯ વર્ષની યુવતી ગત ૨૪ મી ડિસેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યે છૂટીને બસમાં બેસીને ઘરથી થોડે દૂર ઉતરી હતી. ત્યાંથી તે ચાલતી ઘરે જતી હતી. તે સમયે એક બાઇક ચાલક તેની નજીક આવ્યો હતો. મારી બાઇક પાછળ બેસી જા. તને તારા ઘરે મૂકી જઇશ. તેવું કહેતા યુવતી ગભરાઇ ગઇ હતી. તે ઉતાવળે પગે ઘર તરફ ચાલવા લાગી હતી. આરોપી તેની બાઇક વધારે રેસ કરીને હેરાન કરતો હતો. આરોપીએ યુવતીનો તેના એપાર્ટમેન્ટ સુધી પીછો કર્યો હતો. યુવતી ભાગીને દાદર ચઢી જતા આરોપી બાઇક ફૂલ સ્પીડમાં ચલાવીને ભાગી ગયો હતો. યુવતીએ ઘરે જઇને પરિવારજનોને જાણ કરતા તેઓએ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા આરોપીની બાઈકનો નંબર મળી આવ્યો હતો. જે અંગે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


